‘ટાઇગર 3’ના દૃશ્ય માટે તેમને જેલ તોડીને ભાગતા દેખાડવામાં આવ્યા છે, જેને માટે ૩૦ કરોડનો સેટ બનાવવામાં આવ્યો છે
સલમાન ખાન અને શાહરુખ ખાન
સલમાન ખાન અને શાહરુખ ખાન હાલમાં મઢ આઇલૅન્ડમાં જેલમાં જોવા મળી રહ્યા છે. જોકે તેમને કોઈ સજા કરવામાં નથી આવી, પરંતુ ત્યાં તેઓ તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ‘ટાઇગર 3’નું શૂટિંગ ત્યાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં શાહરુખ તેના પઠાનના પાત્રમાં જોવા મળશે. આ એક હેવી ડ્યુટી ઍક્શન દૃશ્ય છે જેનું દસ દિવસનું શૂટિંગ શેડ્યુલ રાખવામાં આવ્યું છે. આ દૃશ્ય માટે જેલનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. ‘પઠાન’માં સલમાનની એન્ટ્રી ટાઇગર તરીકે થઈ હતી. એ દરમ્યાન તેણે કહ્યું હતું કે એક ડેડલી મિશનમાં તેની જરૂર પડી શકે છે. આ ડેડલી મિશન માટે હવે પઠાન તેની મદદે આવ્યો છે. ટાઇગરને બચાવવા માટે હવે પઠાન આવ્યો છે. આ દૃશ્ય એવું છે કે એ માટે જેલનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે અને પઠાન જેલ તોડીને ટાઇગરને બચાવે છે. આ સાથે જ હિલનો પણ એક સેટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં કેબલ કારમાં ઍક્શન જોવા મળશે. આ ફિલ્મમાં એક ચેઝ સીક્વન્સ માટે ખૂબ જ લાંબો રોડ પણ બનાવવામાં આવ્યો છે. આ એક દૃશ્ય માટે ત્રણ સેટ બનાવવામાં આવ્યા છે અને એ માટે અંદાજે ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સલમાને ગયા વર્ષે જેલના એક દૃશ્યનું શૂટિંગ કર્યું હતું અને એનું કન્ટિન્યુએશનનું શૂટિંગ હવે ચાલી રહ્યું છે. જેલના દૃશ્ય માટે કોરિયન સ્ટન્ટ ડિરેક્ટર સે-યેઓન્ગ ઓહને પસંદ કરવામાં આવ્યો છે. કેબલ કારના દૃશ્ય માટે સાઉથ આફ્રિકન સ્ટન્ટ કંપનીને પસંદ કરવામાં આવી છે. આ દૃશ્યમાં પ્રોફેશનલ બૉડી બિલ્ડર વરિન્દર સિંહ ઘુમાન પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે જેમાં કૅટરિના કૈફ પણ તેના ઝોયાના રોલમાં દેખાશે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં છે.