હું ભડકેલી કરણ પર, મને લાગેલું કે લોકો મજાક ઉડાવશે; પણ થિયેટરમાં ગઈ ત્યારે સીટીઓ અને તાળીઓ વાગતી હતી
શબાના આઝમી
મુંબઈ ઍકૅડેમી ઑફ મૂવિંગ ઇમેજ (MAMI) મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ હમણાં ચાલી રહ્યો છે. આ ફેસ્ટિવલ અંતર્ગત આયોજિત એક કાર્યક્રમમાં શનિવારે વિદ્યા બાલને શબાના આઝમી સાથે સંવાદ કર્યો હતો. શબાના આઝમી આ વર્ષે એક ઍક્ટ્રેસ તરીકે પચાસ વર્ષ પૂરાં કરી રહ્યાં છે એ નિમિત્તે તેમની સાથે તેમની ફિલ્મી સફરની વાતો કરવામાં આવી હતી. આ વાતોમાં સૌથી રસપ્રદ વાત હતી ગયા વર્ષે આવેલી ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં શબાના આઝમીએ ધર્મેન્દ્રને કરેલી કિસ વિશેની.
ADVERTISEMENT
શબાના આઝમી અને ધર્મેન્દ્રની કિસ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’નો ચર્ચાસ્પદ અને યાદગાર સીન બની ગયો હતો. આ સીનમાં બન્ને જૂનું ગીત ગાતાં દેખાય છે અને કિસ કરે છે. આ સીન વિશે વાત કરતાં શબાના આઝમીએ કહ્યું, ‘જ્યારે મને ‘અભી ના જાઓ છોડકર...’ સીન વિશે કહેવામાં આવ્યું ત્યારે હું કરણ જોહર પર તાડૂકી હતી. મેં તેને કહેલું કે તું પાગલ થઈ ગયો છે. લોકો થિયેટરમાંથી ઊઠીને ચાલ્યા જશે અને આપણા પર હસશે. જોકે હું થિયેટરમાં ગઈ ત્યારે લોકો આ સીન વખતે સીટીઓ અને તાળીઓ વગાડતા હતા.

