સરોજ ખાન ડાન્સમાં હિરોઇનની સુંદરતાને તેમનાં એક્સપ્રેશન્સ દ્વારા નિખારતા
ફિલ્મમેકર કુણાલ કોહલીનું માનવું છે કે હિરોઇનની સુંદરતાને સરોજ ખાન એક્સપ્રેશન દ્વારા વધુ નિખારતાં હતાં. તેમણે ૧૯૯૮માં મ્યુઝિક વિડિયો ‘ચુઈમુઈ સી તુમ લગતી હો’ની કોરિયોગ્રાફી કરી હતી. એ વખતે તેઓ ખૂબ જ ફેમસ કોરિયોગ્રાફર બની ગયાં હતાં. આમ છતાં તેમણે કુણાલના કહેવા પર એ વિડિયોને કોરિયોગ્રાફ કર્યો હતો. એ ગીત ખૂબ જ હિટ બન્યું હતું. ત્યાર બાદ સરોજ ખાન અને કુણાલ કોહલી વચ્ચે સારા સંબંધો પણ બની ગયા હતા. કુણાલ કોહલીની ‘ફના’ અને ‘હમ તુમ’નાં ગીતમાં પણ સરોજ ખાને કોરિયોગ્રાફી કરી હતી. કુણાલ કોહલીની ફિલ્મોનાં કુલ ૨૦ ગીતોમાં સરોજ ખાનની કોરિયોગ્રાફી હતી. તેમની કોરિયોગ્રાફીની પ્રશંસા કરતાં કુણાલે કહ્યું હતું કે ‘આ ખરેખર ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે કે તેઓ પોતાની કોરિયોગ્રાફીથી હિરોઇનને સુંદર બનાવી દેતાં હતાં. તેમના કોઈ પણ ડાન્સને જુઓ; પછી એ શ્રીદેવી, માધુરી કે પછી કાજોલનો ડાન્સ હોય, તેમની મૂવમેન્ટ્સમાં ચહેરાના હાવભાવ સ્પષ્ટ જોવા મળશે. એ એક્સપ્રેશન્સ જ હિરોઇનને વધુ સુંદર દેખાડતાં હતાં. મને આજે પણ યાદ છે કે જ્યાં સુધી સરોજજીને એક્સપ્રેશન્સ સાથે સમાધાન નહીં થાય ત્યાં સુધી તો તેઓ શૉટને ઓકે નહીં કહે. તેઓ હંમેશાં શીખવાડતાં હતાં કે માત્ર શરીરથી નહીં, ચહેરાના હાવભાવથી પણ ડાન્સ કરો. વર્તમાનમાં તો બાળકો ડાન્સમાં ફિઝિકલ મૂવમેન્ટ્સ કરે છે. એથી તેઓ ફ્લેક્સિબલ છે. તેઓ પોતાના હાથ-પગ ખૂબ સારી રીતે હલાવી શકે છે. જોકે ચહેરા પર કોઈ હાવભાવ હોતા નથી. સરોજજી તો એક્સપ્રેશન્સના માધ્યમથી હિરોઇનની સુંદરતાને વધુ નિખારતાં હતાં. એથી તેમની દરેક કોરિયોગ્રાફી જુઓ. આપણે માધુરી અને શ્રીદેવીજીને ડાન્સમાં તેમના ચહેરાના હાવભાવથી જોઈએ છીએ.’

