નૅશનલ અવૉર્ડ મળતાં ટીનેજર જેવો ઉત્સાહ હતો સરોજ ખાનનો: ઇમ્તિયાઝ અલી
ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું હતું કે જ્યારે તેની ફિલ્મ ‘જબ વી મેટ’ના ગીત ‘યે ઇશ્ક હાયે’ માટે સરોજ ખાનને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો ત્યારે તેમનું વર્તન એક ટીનેજર જેવું હતું. આ ફિલ્મ બાદ બન્નેએ ‘લવ આજ કલ’માં પણ સાથે કામ કર્યું હતું. ‘યે ઇશ્ક હાયે’ માટે સરોજ ખાન પાસે કોરિયોગ્રાફી કરાવવા વિશે ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે ‘આ ગીત માટે તેમની પાસે કોરિયોગ્રાફી એ એક સંયોગ કહી શકાય છે. અમે મનાલીમાં શૂટિંગ કરી રહ્યા હતા. મુંબઈના કોરિયોગ્રાફર્સ સાથે અમે વાત કરી અને તેમને કહ્યું હતું કે મનાલીમાં આવી જાઓ. એવામાં સંયોગ એવો બન્યો કે સરોજજી મનાલીમાં જ અન્ય કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. મને લાગ્યું કે આ વિશ્વની સૌથી સારી બાબત છે કે તેઓ મારી ફિલ્મ કરવા માટે રાજી થઈ ગયાં હતાં. એથી મેં તેમની સાથે હોટેલમાં મુલાકાત કરી હતી. એ સમયે તેમની ફિલ્મ માટેનું કામ પૂરું થઈ ગયું હતું. એ વખતે તેઓ સાતથી દસ દિવસ રહેવાનાં હતાં. એથી મેં તેમને પૂછ્યું કે શું તેઓ એ દિવસોમાં અમારી સાથે કામ કરી શકે છે? તેઓ માની ગયાં. ત્યાર બાદ તેમણે અમારા ગીતનું શૂટિંગ કર્યું હતું. એ સાતથી દસ દિવસ તેમણે અથાક કામ કર્યું હતું. અમારી પાસે હિમાચલ પ્રદેશના લગભગ ૭૦ ડાન્સર્સ હતા. તેમની સાથે તેમણે સતત રિહર્સલ કર્યાં હતાં. ગીતનું શૂટિંગ પૂરું થયા બાદ મેં તેમને વિનંતી કરી કે શું તેઓ કરીના કપૂરે જે પાર્ટનો ડાન્સ કર્યો છે એ આખા ગીત પર ડાન્સ કરી શકશે? એ વખતે ૨૦૦થી ૩૦૦ લોકો હાજર હતા. એ બધાની સામે તેમણે ડાન્સ કર્યો હતો. આ બાબત ખરેખર ખૂબ જ અવિસ્મરણીય છે જેને હું કદી ભૂલી નથી શકવાનો.’
આ ગીત માટે નૅશનલ અવૉર્ડ મળવાની જે ખુશી સરોજ ખાનને મળી હતી એ વિશે ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે ‘નૅશનલ અવૉર્ડ જીત્યા બાદ તેમણે મને કૉલ કર્યો હતો. તેમનું વર્તન ટીનેજર જેવું હતું. તેઓ ખડખડાટ હસી રહ્યાં હતાં. ખૂબ જ ઉત્સાહમાં આવીને તેમણે મને કહ્યું કે હું નૅશનલ અવૉર્ડ જીતી ગઈ છું.’