લોકો મને ટાસ્ક માસ્ટર કહે છે,
સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલીનું કહેવું છે કે મીડિયાએ તેની એવી ઇમેજ બનાવી છે કે તેની સાથે કામ કરવું અઘરું છે. તેમની વેબ-સિરીઝ ‘હીરામંડી’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ એક ટાસ્ક માસ્ટર છે. એનો જવાબ આપતાં સંજય લીલા ભણસાલીએ કહ્યું કે ‘એવું કાંઈ નથી. હું કોઈ ટાસ્ક માસ્ટર નથી. આ તો મીડિયાએ ઊભી કરેલી મારી ઇમેજ છે કે મારી સાથે કામ કરવું અઘરું છે અને હું ખૂબ જલદી ગુસ્સે થાઉં છું. અમે બધા સાથે બેસીએ છીએ અને એક ચોક્કસ શૉટ માટે ચર્ચા કરીએ છીએ. ચર્ચા એવી હોય છે કે હું તેમના દિમાગનો ઉપયોગ કરું છું અને તેઓ મારા દિમાગનો ઉપયોગ કરે છે. એ બધું સાથે મળતાં એ જાદુઈ ક્ષણ આવે છે. એ વસ્તુનું શ્રેય હું લઉં છું અને કહું છું કે મેં એ જાદુ બનાવ્યું છે. વાસ્તવિકતા તો એ છે કે એમાં દરેકનું દિમાગ સમાયેલું છે. એની તમે બધા રાહ જોતા હો છો. એની પાછળ સખત મહેનત, ધ્યાન, સમર્પણ અને દૃઢ વિશ્વાસ સમાયેલાં હોય છે. લોકો મને ટાસ્ક માસ્ટર કહે છે, કારણ કે જ્યાં સુધી મને એ પર્ફેક્ટ શૉટ મળી ન જાય હું તેમને તેમની વૅનમાં જવા નથી દેતો. એ ક્ષણ આપણા બધા માટે ખૂબ કીમતી હોય છે. એ બધા તરફથી આવે છે.’