આ ફિલ્મમાં સંજય દત્તે વિલનનો રોલ કર્યો હતો
સંજય દત્ત
‘ખલનાયક’ની રિલીઝને ૩૦ વર્ષ થતાં સંજય દત્તે આ ફિલ્મ બનાવવા માટે સુભાષ ઘઈનો આભાર માન્યો છે. આ ફિલ્મમાં સંજય દત્તે વિલનનો રોલ કર્યો હતો. ફિલ્મમાં જૅકી શ્રોફ, માધુરી દીક્ષિત નેને, અનુપમ ખેર અને રાખી ગુલઝાર લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. ૧૯૯૩ની ૧૫ જૂને આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મને સુભાષ ઘઈએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મના કેટલાક સીન્સનો કોલાજ વિડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી હતી, ‘ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ ડિરેક્ટર્સમાંના એક એવા સુભાષજીને હું અભિનંદન આપવા માગું છું. જૅકી દાદા જે પર્ફેક્ટ રામ બન્યા હતા, માધુરી જેણે ગંગાનો રોલ કર્યો હતો અને ‘ખલનાયક’ની પૂરી ટીમનો હું આભાર માનું છું. હું આવી આઇકૉનિક ફિલ્મનો ભાગ બન્યો એ માટે મને ગર્વ છે અને એને આજીવન હું માણતો રહીશ. ફિલ્મને ૩૦ વર્ષ થયાં અને એવું લાગે છે જાણે હજી ગઈ કાલની જ વાત છે. આવી ફિલ્મ બનાવવા માટે સુભાષજી અને મુક્તા આર્ટ્સ થૅન્ક યુ. ફરી એક વખત આભાર. સાથે જ ફૅન્સનો પણ આભાર જેમણે ‘ખલનાયક’ને ક્લાસિક ફિલ્મ બનાવી.’

