સમન્થાએ પૂરી રીતે રિકવર થવા માટે છ મહિનાનો બ્રેક લીધો છે.
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુ અમેરિકામાં ટ્રીટમેન્ટ લેવા જવાની છે. તે માયોસાઇટિસ નામની બીમારીથી પીડાઈ રહી છે. આ બીમારીમાં મસલ્સ નબળા પડી જાય છે, જલદી થાક લાગે છે અને અતિશય પીડા ઊપડે છે. આ બીમારી કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. એથી સમન્થાએ પૂરી રીતે રિકવર થવા માટે છ મહિનાનો બ્રેક લીધો છે. તે વરુણ ધવન સાથે ‘સિટાડેલ’ અને વિજય દેવરાકોન્ડા સાથે ‘કુશી’માં દેખાવાની છે. ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ તે બ્રેક પર જવાની છે. એથી તેણે અગાઉ જે કમિટમેન્ટ્સ કર્યાં હતાં એના પૈસા તેણે પ્રોડ્યુસર્સને પાછા આપી દીધા હોવાની ચર્ચા છે. સમન્થાની આંખો પર તકલીફ થાય છે. તે વધુપડતી લાઇટને સહન નથી કરી શકતી. આ જ કારણ છે કે તે અમેરિકામાં સારવાર લેવા જવાની છે. એના માટે તેને થોડા મહિના ત્યાં રહેવું પડશે. એથી તે ટૂંક સમયમાં યુએસ જવાની છે.