સમન્થા રૂથ પ્રભુએ માયોસાઇટિસની બીમારીની સારવાર માટે ઍક્ટર પાસેથી પચીસ કરોડ રૂપિયા લીધા હોવાની અફવા ફેલાઈ હતી
ફાઇલ તસવીર
સમન્થા રૂથ પ્રભુએ માયોસાઇટિસની બીમારીની સારવાર માટે ઍક્ટર પાસેથી પચીસ કરોડ રૂપિયા લીધા હોવાની અફવા ફેલાઈ હતી. એ અફવાને ફગાવતાં તેણે જણાવ્યું કે મારો ખર્ચ હું જાતે ઉઠાવવા સક્ષમ છું. ગયા વર્ષે તેને આ બીમારીનું નિદાન થયું હતું. હવે એની સારવાર માટે તે અમેરિકા જવાની છે અને ત્યાં થોડા મહિના રોકાવાની છે. સાક્ષી ટીવીના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સમન્થાએ સારવાર માટે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈ ઍક્ટર પાસેથી પચીસ કરોડ રૂપિયા લીધા છે. એ દાવાને ખોટો ગણાવતાં ઇન્સ્ટાસ્ટોરી પર સમન્થાએ લખ્યું છે કે ‘માયોસાઇટિસની સારવાર માટે પચીસ કરોડ? કોઈએ તમારી સાથે ખોટી ડીલ કરી છે. મને એ વાતની ખુશી છે કે હું તો ખૂબ ઓછી રકમ સારવાર માટે ખર્ચી રહી છું. મારી કરીઅરમાં મેં અત્યાર સુધી જે કામ કર્યું છે એમાં મને ઓછા પૈસા નથી મળ્યા. એટલે હું સરળતાથી મારી દરકાર લઈ શકું છું. થૅન્ક યુ. હજારો લોકો માયોસાઇટિસથી પીડાય છે. એ સારવારને લઈને અમે જે માહિતી આપીએ છીએ એને લઈને થોડા જવાબદાર બનો.’