આ બન્નેએ ૨૦૧૫માં આવેલી ‘બજરંગી ભાઈજાન’માં સાથે કામ કર્યું હતું
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું છે કે સ્ટાર અને ઍક્ટર વચ્ચેનો તફાવત તેને સલમાન ખાને સમજાવ્યો હતો. સાથે જ સલમાને જે તફાવત જણાવ્યો હતો એના પર નવાઝુદ્દીનને વિશ્વાસ પણ બેઠો છે. આ બન્નેએ ૨૦૧૫માં આવેલી ‘બજરંગી ભાઈજાન’માં સાથે કામ કર્યું હતું. અગાઉ પણ નવાઝુદ્દીને સલમાનની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે સલમાન તેની લાઇન્સ પણ આપી દેતો હતો. તેણે જણાવ્યું હતું કે, તેણે લાઈફમાં નવ થી દસ વર્ષ સુધી ખૂબ સ્ટ્રગલ કરી હતી. તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તે ઍક્ટર નહીં બની શકે. નવાઝુદ્દીનની આગામી ફિલ્મ ‘જોગીરા સારા રા રા’ ૨૬ મેએ રિલીઝ થવાની છે. સલમાન સાથે થયેલી વાતને યાદ કરતાં નવાઝુદ્દીને કહ્યું કે ‘હું કાશ્મીરની દરગાહમાં ‘બજરંગી ભાઈજાન’નું શૂટિંગ કરી રહ્યો હતો. અમે સ્ટેપ્સ પર બેઠા હતા. અમારા શૂટિંગને સમય હતો તો મેં તેમને પૂછ્યું કે ‘ભાઈ, ઍક્ટર અને સ્ટારમાં શું ફરક હોય છે.’ તો તેમણે કહ્યું કે ‘જો એક ઍક્ટર અને સ્ટારને સોઈમાં ધાગો પરોવવાનો ટાસ્ક આપવામાં આવે તો ઍક્ટર પૂરી એકાગ્રતાથી, પ્રામાણિકપણે અને ધ્યાન આપીને એ કામ કરશે. જોકે સ્ટાર કહેશે કે હું શું કામ સોઈમાં ધાગો પરોવું, પરંતુ તે વિચારશે કે કોણ કરી શકશે. હું તો આ કામ નહીં કરું.’
સલમાનને કરેલા આ તફાવતને સાચો ઠેરવતાં નવાઝુદ્દીને કહ્યું કે ‘એ સ્વૅગ, એ વર્તન અગત્યનું છે. મને તેમનું એ વાક્ય સાચું લાગે છે. સુપરસ્ટાર્સની જે અદાઓ હોય છે એ જોવા તો આપણે જતા હોઈએ છીએ. તેમની પાસેથી ઍક્ટિંગની અપેક્ષા નથી હોતી. જોકે તેમની સ્ટાઇલ, તેમના USP જોવા માટે લોકો જતા હોય છે. લોકોને તેમનો એ ઍટિટ્યુડ ગમે છે. સલમાને સ્ટાર અને ઍક્ટર વચ્ચેનો જે ફરક સમજાવ્યો એ જ સાચી વ્યાખ્યા છે.’