જાહેરમાં આવી કમેન્ટ કરીને સલમાને નેપોટિઝમની ચર્ચાની મજાક ઉડાવી
સલમાન ખાન
સલમાન ખાન હાલમાં પોતાના પરિવાર સાથે દુબઈમાં જોવા મળ્યો હતો. અહીં તેણે બહેન અલ્વિરાના દીકરા અયાન અગ્નિહોત્રીનું ગીત ‘યુનિવર્સલ લૉઝ’ લૉન્ચ કર્યું હતું. આ ફંક્શનમાં બૉબી દેઓલ અને સોનાક્ષી સિંહા જેવી સેલિબ્રિટીઓ પણ જોવા મળી હતી. આ ઇવેન્ટ દરમ્યાન સલમાને કરેલી એક કમેન્ટ વાઇરલ થઈ રહી છે.
આ ઇવેન્ટના એક વિડિયોમાં સલમાન નેપોટિઝમ એટલે કે વંશવાદની મજાક ઉડાવતો જોવા મળે છે. દુબઈનો ડીજે બ્લિસ આ ફંક્શનમાં સલમાન અને તેના પરિવારના મજબૂત બૉન્ડિંગનાં વખાણ કરતાં કહે છે કે આખો પરિવાર એકબીજાને સપોર્ટ કરે છે અને સાથે ઊભો રહે છે.
ADVERTISEMENT
આ સાંભળીને સલમાને કહ્યું કે ‘આને એકબીજા પ્રત્યેનો, પરિવાર પ્રત્યેનો પ્રેમ અને સપોર્ટ નહીં પણ નેપોટિઝમ કહેવામાં આવે છે. અમે બીજાનાં બાળકો માટે કામ કરીએ છીએ, બીજાનાં બાળકોને પ્રેમ કરીએ છીએ અને અમારી તમામ સંપત્તિ તેમ જ બિઝનેસ બીજાનાં બાળકોને આપી જઈશું.’
સલમાનની આ કમેન્ટ સાંભળીને બધા લોકો હસવા લાગે છે. બૉલીવુડમાં નેપોટિઝમની ચર્ચા બહુ જૂની છે. સૌથી પહેલાં કંગના રનૌતે ફિલ્મમેકર કરણ જોહર પર નેપોટિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. સલમાન પર પણ આરોપ છે કે તે નેપોટિઝમને પ્રોત્સાહન આપે છે.

