મારા માટે સ્પેશ્યલ ફિલ્મ છે કરણ અર્જુન : સલમાન ખાન
સલમાન ખાન
સલમાન ખાને જણાવ્યું છે કે ‘કરણ અર્જુન’ તેના માટે સ્પેશ્યલ ફિલ્મ છે. ૧૯૯૫ની ૧૧ જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થઈ હતી. રાકેશ રોશનની આ ફિલ્મમાં સલમાનની સાથે શાહરુખ ખાન, કાજોલ, મમતા કુલકર્ણી અને રાખી ગુલઝાર પણ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ વિશે સલમાને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘કરણ અર્જુન’ સ્પેશ્યલ ફિલ્મ છે. આ પહેલી વાર છે કે હું અને શાહરુખ એકસાથે ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ સાથે મારી અનેક સુંદર યાદો જોડાયેલી છે. ‘કરણ અર્જુન’ પૂરી રીતે મનોરંજક ફિલ્મ છે. ફિલ્મને ૨૫ વર્ષ પૂરાં થયા પછી લોકો આજે પણ ફૅમિલીઝ સાથે બેસીને ફિલ્મ જુએ છે અને એને માણે પણ છે.’
આ ફિલ્મને લઈને પોતાનો અનુભવ જણાવતાં રાકેશ રોશને કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘કરણ અર્જુન’ની સ્ટોરી લખી ત્યારે હું જાણતો હતો કે મારે અત્યાર સુધી લખેલી તમામ સ્ટોરી કરતાં અલગ ફિલ્મ લખવાની છે. આ સમયમાં બ્લૅક ઍન્ડ વાઇટના ગાળામાં પુનર્જીવનનો વિષય ખૂબ ચર્ચામાં હતો. જોકે મેં જ્યારે આ થીમ પર બે ભાઈઓને લઈને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે મેં ખૂબ નિંદાનો અને રિજેક્શનનો સામનો કર્યો હતો. મેં આ ફિલ્મને અલગ દૃષ્ટિકોણથી બનાવી હતી જેમાં મા-દીકરાના સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. મને એ સ્ટોરી પર ખૂબ ભરોસો હતો અને સાથે એ પણ વિશ્વાસ હતો કે મારા દર્શકો પણ ફિલ્મનાં કૅરૅક્ટર્સના દરેક ડાયલૉગને ફીલ કરશે અને એના પર ભરોસો પણ કરશે. એ વખતમાં અને હાલમાં આ ફિલ્મને જે પ્રકારે રીઍક્શન મળે છે એ સારી બાબત છે. ફિલ્મમાં માનો ડાયલૉગ ‘મેરે કરણ-અર્જુન આએંગે’ એક સ્ટેટસ બની ગયું હતું. એની પાછળનું એક કારણ એ પણ છે કે એેને ખૂબ સચોટતાથી બોલવામાં આવ્યા હતા. એ વખતે એક કાલ્પનિક સ્થાનેથી એ પાછા આવ્યા અને લોકોએ એનો સ્વીકાર પણ કર્યો હતો. આ ફિલ્મ પ્રતિ જે વિશ્વાસ છે એના કારણે જ ફિલ્મને સફળતા મળી છે. એ માઇલના પથ્થરને આજે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે.’

