આ ફિલ્મ ૨૦૨૧ની ફિલ્મ સેવન ડૉગ્સની રીમેક છે અને એના શૂટિંગની ક્લિપ વાઇરલ થઈ છે
સલમાન ખાન અને સંજય દત્ત
સલમાન ખાન અને સંજય દત્ત હાલમાં સાઉદી અરેબિયામાં એક હૉલીવુડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૨૧ની ફિલ્મ ‘સેવન ડૉગ્સ’ની રીમેક છે. આ બન્ને અભિનેતાઓ આ ફિલ્મમાં નાનકડા રોલમાં જોવા મળશે. આ ફિલ્મના સેટ પરનો સલમાન ખાનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયોમાં તે ડ્રાઇવરની વર્દીમાં છે અને એક ઑટોરિક્ષા પાસે ઊભો છે. તે ક્રૂ-મેમ્બર્સ સાથે વાતચીત કરતો જોવા મળે છે અને તેના કૉલર નીચે લાલ રૂમાલ છે જે પ્રૉપર મુમ્બૈયા સ્ટાઇલ બતાવે છે. આ ક્લિપમાં સંજય દત્ત કાળા રંગના સૂટમાં જોવા મળે છે.
ઇન્ટરનેટ પર ક્લિપ વાઇરલ થતાં ફૅન્સે દાવો કર્યો કે આ હૉલીવુડની ફિલ્મના શૂટિંગની ક્લિપ છે. હકીકતમાં સલમાન સાઉદીમાં ખૂબ લોકપ્રિય છે એથી હૉલીવુડ ફિલ્મના નિર્માતાઓ તેની લોકપ્રિયતાનો લાભ લેવા માગે છે એટલે જ આ ફિલ્મમાં સલમાન અને સંજય દત્તને કૅમિયો રોલ ઑફર કરવામાં આવ્યો છે. જોકે આ ફિલ્મ વિશે વધુ માહિતી મળી નથી અને ઍક્ટર્સે પણ તેમના કૅમિયો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
ADVERTISEMENT
સલમાન અને સંજય અગાઉ પણ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. ૧૯૯૧ની ‘સાજન’, ૨૦૦૦ની ‘ચલ મેરે ભાઈ’ અને ૨૦૦૨ની ‘યે હૈ જલવા’ જેવી હિટ ફિલ્મોમાં તેઓ સાથે હતા. એ સિવાય ૨૦૧૨માં અજય દેવગનની ફિલ્મ ‘સન ઑફ સરદાર’માં પણ સલમાનનો કૅમિયો હતો અને એમાં સંજય દત્તની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.

