સલમાનની છેલ્લે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ આવી હતી.
સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી
સલમાન ખાને હાલમાં જ સંજય લીલા ભણસાલીનો સંપર્ક કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. તેઓ ઘણાં વર્ષો બાદ ‘ઇન્શાઅલ્લા’માં સાથે કામ કરવાના હતા. જોકે તેમની વચ્ચે સ્ક્રિપ્ટને લઈને મતભેદ થયો હોવાથી ફિલ્મ આગળ નહોતી વધી શકી એવી ચર્ચા હતી. આ એક લવ સ્ટોરી હતી. સલમાનની છેલ્લે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ આવી હતી. તેની છેલ્લી ઘણી ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ નથી કરી રહી. તે હવે તેની ફિલ્મોની ચૉઇસને લઈને ચેતી ગયો હોવાની ચર્ચા છે. તે હવે કોઈની પણ સાથે રિલેશન સાચવવા માટે ફિલ્મો નહીં કરે. તે હવે તેના ભાઈઓ અને બનેવી સાથે પણ ફિલ્મની સ્ક્રિપ્ટ સારી હોય તો જ કામ કરશે એવી ચર્ચા છે. તેમ જ જે ઍક્ટરને કામ ન મળી રહ્યું હોય તેમને ફિલ્મમાં કામ આપવાનું પણ તેણે હવે માંડી વાળ્યું છે. તે હવે એક સારી ફિલ્મ આપવા માટે રાહ જોઈ રહ્યો છે. ‘ટાઇગર 3’ પાસે ઘણી આશા છે, પરંતુ તે ત્યાર બાદ પણ સારી ફિલ્મો કરવા માગે છે અને એથી તે સંજય લીલા ભણસાલીને મળવા ગયો હોવાની ચર્ચા છે. તે હવે ફક્ત ફિલ્મો કરવા પૂરતી કરવા નથી માગતો. તે પણ હવે અલગ ફિલ્મો કરવા માગે છે.