‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નો ખરાબ રિવ્યુ આપવા બદલ સલમાને કરેલા માનહાનિના દાવા વિરુદ્ધ કેઆરકેએ આવું કહ્યું
સલમાન ખાન, કેઆરકે
સલમાન ખાને કરેલા માનહાનિના દાવા કરતાં તેને સારી ફિલ્મ બનાવવા કહ્યું કેઆરકેએ. ઈદ દરમ્યાન રિલીઝ થયેલી તેની ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નો ખરાબ રિવ્યુ આપવા બદલ કેઆરકે એટલે કે કમાલ રશીદ ખાન વિરુદ્ધ સલમાન ખાને માનહાનિનો દાવો કર્યો છે. સલમાનની ટીમે આ કેસ પર વહેલાસર પગલાં લેવાની માગણી સિવિલ કોર્ટમાં કરી છે. લીગલ નોટિસ મળતાં જ ટ્વિટર પર કેઆરકેએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર સલમાન ખાન આ માનહાનિનો દાવો તમારા હતાશા અને નિરાશાનું સબૂત છે. મેં મારા ફૉલોઅર્સ માટે રિવ્યુ આપીને મારું કામ કર્યું હતું. મને ફિલ્મોનું રિવ્યુઇંગ આપતાં અટકાવવાને બદલે તમારે સારી ફિલ્મો બનાવવી જોઈએ. હું હંમેશાં સત્ય માટે લડતો રહીશ. કેસ માટે થૅન્ક યુ.’
બાદમાં આ કેસને લઈને કેઆરકેએ અનેક ટ્વીટ્સ કર્યાં હતાં કે ‘મેં અનેક વખત જણાવ્યું છે કે જો કોઈ પ્રોડ્યુસર કે ઍક્ટર મને તેમની ફિલ્મનો રિવ્યુ આપવાની ના પાડશે તો હું રિવ્યુ નહીં આપું. ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નો રિવ્યુ આપ્યો એથી સલમાન ખાને મારી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. એનો અર્થ એ થયો કે મારા રિવ્યુથી તેના પર અસર પડી છે. એથી હું હવેથી તેની ફિલ્મોનો રિવ્યુ નહીં આપું. આજે મારો લાસ્ટ વિડિયો રિલીઝ થાય છે.’
ADVERTISEMENT
બાદમાં તેણે સલીમ ખાનને પણ અપીલ કરી છે કે આ કેસ પાછો લેવામાં આવે. એ વિશે કેઆરકેએ ટ્વીટ કર્યું હતું કે ‘માનનીય સલીમ ખાન સાહબ, હું અહીં સલમાન ખાનની ફિલ્મોને અને તેમની કરીઅરને ખરાબ નથી કરી રહ્યો. હું માત્ર મજાક માટે તેની ફિલ્મોને રિવ્યુ આપું છું. જો મને જાણ હોત કે મારા રિવ્યુથી તેમના પર અસર થવાની છે તો મેં રિવ્યુ ન આપ્યા હોત. જો તેમણે મને કહ્યું હોત કે તેમની ફિલ્મોને રિવ્યુ ન આપું તો મેં રિવ્યુ ન આપ્યા હોત. એથી ફિલ્મોને રિવ્યુ આપતાં અટકાવવા માટે કેસ કરવાની કોઈ જરૂર નહોતી. સલીમ સર, હું કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા નથી માગતો. હવેથી હું તેમની ફિલ્મોનો રિવ્યુ નહીં આપું. પ્લીઝ તેમને કહો કે કેસને આગળ ન વધારે. જો તમારી ઇચ્છા હોય તો હું રિવ્યુના મારા વિડિયોઝ પણ ડિલીટ કરું છું. થૅન્ક યુ સલીમ સાહબ.’
ચુલબુલ પાન્ડેનો જોવા મળશે ઍનિમેટેડ અવતાર
બાળકોને ખુશ કરવા માટે હવે ‘દબંગ’નો ચુલબુલ પાન્ડે ઍનિમેટેડ લુકમાં જોવા મળશે. સલમાન ખાનના નાનકડા ફૅન્સને આકર્ષિત કરવા માટે તેની ઍનિમેટેડ સિરીઝને કાર્ટૂન નેટવર્ક પર ૩૧ મેએ પ્રીમિયર કરવામાં આવશે. એ વિશે અરબાઝ ખાને કહ્યું હતું કે ‘બાળકોની ફેવરિટ ઍક્શનથી ભરપૂર ‘દબંગ’ ફ્રૅન્ચાઇઝીને ઍનિમેટેડ અવતારમાં લાવવા માટે અમે ખુશ છીએ. ચુલબુલ પાન્ડે કે જેને દેશમાં ખૂબ પ્રેમ મળ્યો છે તેની નવી સ્ટોરી લાવવી એ અમારા માટે જૉય રાઇડથી ઓછી નહોતી. નાના ફૅન્સ અને તેમના પેરન્ટ્સને આ મજાકિયા અને અદ્ભુત ચુલબુલ પાન્ડેના ઍનિમેટેડ વર્ઝનને દેખાડવા માટે ઉત્સુક છીએ.’
‘અંતિમ’ને લાગી કોરોનાની નજર
સલમાન ખાનની ‘અંતિમ’ પર કોરોનાનું ગ્રહણ લાગતાં એની રિલીઝને પાછળ ઠેલવામાં આવી છે. આ ફિલ્મમાં આયુષ શર્મા લીડ રોલમાં જોવા મળશે. મરાઠી ફિલ્મ ‘મુલશી પૅટર્ન’ની આ હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે ગામડાંના લોકો સસ્તા ભાવમાં પોતાની જમીન વેચે છે. ફિલ્મમાં સલમાન સિખ પોલીસ ઑફિસર બન્યો છે. ફિલ્મનું શૂટિંગ તો પૂરું થઈ ગયું છે. ઑક્ટોબરમાં એને રિલીઝ કરવાની હતી. જોકે કોરોનાના વધતા કેસને જોતાં એની રિલીઝને ટાળવામાં આવી છે. જોકે ક્યારે ફિલ્મને રિલીઝ કરવામાં આવશે એ વિશે ચોક્કસ જાણવા નથી મળ્યું. બની શકે કે ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને લોકોએ વખોડી કાઢી હોવાથી હવે થોડા સમય બાદ તે ફિલ્મ લઈને આવે.

