સલમાન ખાન કોઈ સાથે પક્ષપાતભર્યું વર્તન કરે એવો હોસ્ટ નથી: વિન્દુ
વિન્દુ દારા સિંહ
‘બિગ બૉસ’ની ત્રીજી સીઝનના વિનર વિન્દુ દારા સિંહનું કહેવું છે કે સલમાન ખાન એક એવો હોસ્ટ છે જે કોઈ પણની સાથે ભેદભાવ નથી કરતો. તાજેતરમાં જે એપિસોડ હતો એમાં દેખાડવામાં આવ્યું હતું કે રૂબિના દિલૈકે આરોપ મૂક્યો હતો કે સલમાન ખાન ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનના હાઉસમૅટ એજાઝ ખાનને સપોર્ટ કરે છે. સોશ્યલ મીડિયામાં પણ લોકો સલમાનની પક્ષપાતભર્યા વર્તન માટે નિંદા કરી રહ્યા છે. સાથે જ રાખી સાવંતનો પણ પક્ષ લે છે. આ બધી અટકળો પર પોતાના વિચાર વ્યક્ત કરતાં વિન્દુએ કહ્યું હતું કે ‘હોસ્ટ કદી પણ પક્ષપાતી ન હોઈ શકે અને સલમાન ખાન એવી વ્યક્તિ નથી જે કોઈના તરફ પક્ષપાતી બને. તે તો પોતાનું કામ કરે છે અને એને પૂરી નિષ્ઠા સાથે કરે છે. ‘બિગ બૉસ’માં જે કંઈ પણ ઘટે છે એ બધું સલમાન ખાન પેદા નથી કરતો, તેનું દિલ જે કહે છે એ જ તે બોલે છે. એક ટીમ હોય છે જે ૨૪ કલાક ‘બિગ બૉસ’નાં ફુટેજ જોતી હોય છે એથી સલમાન પોતાની મરજી પ્રમાણે કંઈ નથી બોલતો. તે કોઈનો પક્ષ પણ નથી લેતો. સલમાને અનેક વખત કહ્યું છે કે અમુક વ્યક્તિને અંદર મોકલો અને એ વ્યક્તિને અંદર નથી મોકલવામાં આવતો, એથી સલમાન તો માત્ર હોસ્ટ છે અને તેણે ક્રીએટિવ્સનું અને સત્ય સાંભળવું પડે છે. સલમાને ક્યારેય એમ નથી કહ્યું કે આણે જ જીતવું જોઈએ. તમે જોયું હશે કે સલમાન અને ગૌહર વચ્ચે ખૂબ તણાવભર્યા સંબંધ હતા, પરંતુ ગૌહર જ જીતી હતી. જો સલમાને એમ કહ્યું હોત કે તે કદી પણ ન જીતવી જોઈએ તો એ જીતી કેવી રીતે? સલમાન એક એવા પ્રોફેશનમાં છે કે તે કોઈની પણ સાથે પક્ષપાત ન કરી શકે. તેને પોતાનું પ્રોફેશન ગમે છે અને દિલથી કામ કરે છે.’
જોકે હાલમાં વીક-એન્ડમાં એપિસોડના પ્રોમોમાં સલમાન ખાન બોલતો સાંભળવા મળ્યો હતો કે તે રાખીને અત્યાર સુધી સપોર્ટ કરતો આવ્યો છે. જોકે તે હવે સપોર્ટ કરે છે કે નહીં એ તો દર્શકો જોઈ અને સમજી શકે છે.

