પત્રકાર અને લેખક એસ. હુસૈન ઝૈદીએ જણાવ્યું કે રિશી કપૂર અને દિલીપ કુમાર સહિત અનેક જાણીતી ફિલ્મી હસ્તીઓ તેની સાથે સંપર્કમાં હતી
દાઉદ ઇબ્રાહિમ, દિલીપ કુમાર, રિશી કપૂર
૯૦ના દાયકામાં બૉલીવુડમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો મોટો પ્રભાવ હતો અને ઘણા સ્ટાર્સ તેના સંપર્કમાં હતા. હાલમાં પત્રકાર અને લેખક એસ. હુસૈન ઝૈદીએ ઘણા સ્ટાર્સની તેની સાથે ઊઠબેસ હતી એ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડ ઍક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ સાથે દાઉદના ગાઢ સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે રિશી કપૂર અને દિલીપ કુમાર સહિત અનેક જાણીતી ફિલ્મી-હસ્તીઓ તેના સાથે સંપર્ક હોવાની વાત કરી અને કહ્યું કે એક સમય હતો જ્યારે દાઉદ સાથે ઓળખાણ હોવી એ ગર્વની વાત માનવામાં આવતી હતી.
હુસૈન ઝૈદીએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘એ સમયના લગભગ બધા મોટા ફિલ્મમેકર્સ અને ઍક્ટર્સનો દાઉદ સાથે નજીકનો સંબંધ હતો અને તે ઘણી વાર દુબઈમાં તેમની સાથે પાર્ટી કરતો હતો. દાઉદને ફિલ્મોથી માત્ર પૈસા કમાવા નહોતા. તેને હિન્દી સિનેમાથી પ્રેમ હતો. તેને તમામ ઍક્ટ્રેસિસ પસંદ હતી. દિલીપ કુમાર, રિશી કપૂર અને અમજદ ખાન જેવા જેટલા પણ ફિલ્મસ્ટાર્સ દુબઈ આવતા હતા, દાઉદ તેમના માટે ડિનર રાખતો હતો. તેને પૈસા કમાવાના હેતુથી હિન્દી ફિલ્મોમાં રસ નહોતો. તે માત્ર તેમની કંપનીમાં દેખાવા માગતો હતો.’

