‘નાટુ નાટુ`નું શૂટિંગ યુક્રેનના પ્રેસિડન્ટના પૅલેસમાં કરવામાં આવ્યું હતું
‘નાટુ નાટુ’ના શુટિંગ દરમિયાનનો ફોટો.
‘નાટુ નાટુ’ પર દુનિયા નાચી રહી છે, પરંતુ આ ગીત પર ઍક્ટર્સને ડાન્સ કરાવનાર કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિત એક સમયે સુસાઇડ કરવાનું વિચારી રહ્યો હતો. પ્રેમ રક્ષિતે આ ગીતની કોરિયોગ્રાફી કરી હતી. તે તેલુગુ સ્ટેટમાં એટલો જાણીતો નથી, કારણ કે તે અન્ય કોરિયોગ્રાફરની જેમ ટીવી શોમાં કે જાહેરમાં આવવાનું ટાળે છે. જોકે ઇન્ડસ્ટ્રીના લોકો તેના કામથી પરિચિત છે. આ ગીત માટે પ્રેમ રક્ષિતે ૧૧૦ મૂવ્ઝ બનાવ્યાં હતાં. તેમ જ એનું શૂટિંગ યુક્રેનના પ્રેસિડન્ટના પૅલેસમાં કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦ બૅકગ્રાઉન્ડ ડાન્સર અને ૪૦૦ જુનિયર આર્ટિસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પ્રેમ રક્ષિત ચેન્નઈના મરીના બીચ પર જઈને સુસાઇડ કરવાનું વિચારી રહ્યો હતો. એ સમે તેને સપનામાં પણ ખબર નહીં હોય કે તે દુનિયાભરમાં ઇતિહાસ રચી દેશે. પ્રેમ રક્ષિતને એવું લાગતું હતું કે તેણે જીવવું ન જોઈએ. પ્રેમના પિતા ડાયમન્ડના વેપારી હતા. ૧૯૯૩માં ફૅમિલી વચ્ચેના મતભેદને કારણે તેમની પાસેથી તમામ પ્રૉપર્ટી જતી રહી હતી. તેઓ આર્થિક મુસીબતમાં આવી ગયા હતા. આ પરિસ્થિતિમાં તેણે ફિલ્મોમાં ડાન્સ અસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે ટેઇલરની શૉપમાં કામ કરતો હતો. તેને ડાન્સમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. તેણે એમાં કરીઅર વિશે વિચાર્યું અને તેણે પ્રયત્ન પણ કર્યા. જોકે તેમની આર્થિક પરિસ્થિતિમાં કોઈ સુધાર નહોતો આવ્યો. ગરીબીથી કંટાળીને તેણે ચેન્નઇના મરીના બીચ પર સુસાઇડ કરવાનું નક્કી કર્યું હતું. જો તે મૃત્યુ પામે તો ડાન્સ ફેડરેશન તેની ફૅમિલીને પચાસ હજાર રૂપિયા આપશે એમ વિચારીને તે સુસાઇડ કરવા માગતો હતો. તે સુસાઇડ કરવાનું વિચારી રહ્યો હતો ત્યારે છેલ્લી ક્ષણે તેને યાદ આવ્યું કે તે તેના પાડોશીની સાઇકલ લઈને બીચ પર આવ્યો છે. જો તે હમણાં મૃત્યુ પામશે તો એ પાડોશી તેની ફૅમિલીને સાઇકલ માટે હેરાન કરશે. આથી તે સાઇકલ આપવા માટે ઘરે ગયો હતો.
ADVERTISEMENT
તે જેવો ઘરે ગયો ત્યારે તેના પિતાએ તેને કહ્યું હતું કે તેને ફિલ્મોમાં ડાન્સ માસ્ટર તરીકે કામ કરવાની તક મળી છે. પ્રેમે એ સમયે સુસાઇડનો વિચાર પડતો મૂક્યો હતો. એક ક્ષણે તેની લાઇફ બદલી કાઢી હતી. એક સાઇકલ દ્વારા મૃત્યુનો વિચાર કરનાર માણસ સીધો ફિલ્મમાં આવી ગયો હતો. પ્રેમ રક્ષિતે તેની મુશ્કેલ કોરિયોગ્રાફી દ્વારા દુનિયાભરમાં તેનું નામ બનાવ્યું છે.
આ ગીતના બોલ ચંદ્રબોઝે લખ્યા છે. ‘RRR’ના આ દોસ્તી પર આધારિત ગીત માટે ચંદ્રબોઝે ૧૯ મહિનામાં ટોટલ ૨૦ ગીત લખ્યાં હતાં. આ તમામ ગીતમાંથી એસ. એસ. રાજામૌલીએ ‘નાટુ નાટુ’ પસંદ કર્યું હતું. સાડાચાર મિનિટના આ ગીતને શૂટ કરવા માટે ૨૦ દિવસનો સમય લાગ્યો હતો. ઍક્ટર્સ દ્વારા શૂટિંગ દરમ્યાન ટોટલ ૪૩ રીટેક્સ લેવામાં આવ્યા હતા.