ગોલ્ડન ગ્લોબ જીત્યા બાદ એને તેમણે તેલુગુ ફિલ્મ ગણાવી
‘RRR’ બૉલીવુડની ફિલ્મ નથી : રાજામૌલી
એસ. એસ. રાજામૌલીનું કહેવું છે કે ‘RRR’ બૉલીવુડની ફિલ્મ નથી. આ ફિલ્મે દેશ-વિદેશમાં ધમાલ મચાવી છે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળ્યા હતા. એમાં તેઓ નીડર યોદ્ધાના રોલમાં હતા. આ ફિલ્મને ખૂબ પ્રમોટ કરવામાં આવી હતી. એને પૅન ઇન્ડિયા ફિલ્મ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી હતી. આ ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળ્યો છે. અવૉર્ડ મળ્યા બાદ એ વિશે એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘અમારી ‘RRR’ બૉલીવુડની નહીં, સાઉથ ઇન્ડિયાની તેલુગુ ફિલ્મ છે, જ્યાંથી હું આવું છું. ફિલ્મને અટકાવવા માટે કે પછી તમને મ્યુઝિક અને ડાન્સ દેખાડવા માટે નહીં, પરંતુ સ્ટોરીને આગળ વધારવા માટે હું ગીતનો ઉપયોગ કરું છું. ફિલ્મ જોયા બાદ તમે જો એમ કહો કે ત્રણ કલાક ક્યાં પસાર થઈ ગયા, ખબર જ ન પડી, તો હું માની લઈશ કે હું એક સફળ ફિલ્મમેકર છું.’
ભગવાનને મળ્યા એસ. એસ. રાજામૌલી
ADVERTISEMENT
‘ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ’માં એસ. એસ. રાજામૌલીની મુલાકાત સ્ટીવન સ્પીલબર્ગ સાથે થતાં તેમણે કહ્યું કે તેઓ ભગવાનને મળ્યા છે. ‘RRR’ના ‘નાટુ નાટુ’ ગીતને આ અવૉર્ડ ફંક્શનમાં બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ આપવામાં આવ્યો છે. એમ. એમ. કીરાવાનીએ ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે. એ સેરેમનીમાં સ્ટીવન સ્પીલબર્ગને મળીને એસ. એસ. રાજામૌલી હરખથી ચોંકી ગયા હતા. તેમની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એસ. એસ. રાજામૌલીએ કૅપ્શન આપી હતી, ‘હું ભગવાનને મળ્યો.’