એમ. એમ. કીરાવાનીએ જણાવ્યું કે તેમને પહેલો બ્રેક રામ ગોપાલ વર્માએ ૧૯૯૧માં આવેલી ક્રાઇમ-થ્રિલર ‘ક્ષણ ક્ષણમ’માં આપ્યો હતો
એમ. એમ. કીરાવાની
એમ. એમ. કીરાવાનીને હાલમાં તેમની ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ માટે ઑસ્કર અવૉર્ડ મળ્યો છે. જોકે એમ. એમ. કીરાવાનીનું કહેવું છે કે ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા તેમનો પહેલો ઑસ્કર છે અને આ બીજો ઑસ્કર અવૉર્ડ તેમને મળ્યો છે. આ ગીત અને ફિલ્મે જગભરમાં ધૂમ મચાવી દીધી છે. એને ગોલ્ડન ગ્લોબ અને ક્રિટિક્સ ચૉઇસનો અવૉર્ડ મળ્યો હતો. એમ. એમ. કીરાવાનીએ જણાવ્યું કે તેમને પહેલો બ્રેક રામ ગોપાલ વર્માએ ૧૯૯૧માં આવેલી ક્રાઇમ-થ્રિલર ‘ક્ષણ ક્ષણમ’માં આપ્યો હતો. એ વિશે એમ. એમ. કીરાવાનીએ કહ્યું કે ‘રામ ગોપાલ વર્મા મારા પહેલા ઑસ્કર છે. ૨૦૨૩માં મને જે ઍકૅડેમી અવૉર્ડ મળ્યો એ મારો બીજો ઑસ્કર અવૉર્ડ છે. એનું કારણ તમને જણાવું. એ વખતે હું લગભગ ૫૧ લોકો સુધી મારું કામ લઈને ગયો હતો. તેઓમાંના કેટલાકે તો મારી ઑડિયો-કૅસેટ સાંભળ્યા વગર જ ફેંકી દીધી હતી. રામ ગોપાલ વર્માએ મને તેમની ફિલ્મ ‘ક્ષણ ક્ષણમ’માં કામ કરવાની ઑફર કરી હતી. રામ ગોપાલ વર્માની ‘શિવા’ ખૂબ હિટ હતી. એ ફિલ્મ તેમની લાઇફમાં ઑસ્કર સમાન હતી. મારી કરીઅરમાં ઑસ્કરની ભૂમિકા રામ ગોપાલ વર્માએ ભજવી હતી. આવી રીતે તેમણે મને મદદ કરી હતી.’
એમ. એમ. કીરાવાનીની વાતો સાંભળીને રામ ગોપાલ વર્માએ ટ્વીટ કર્યું હતું, ‘એમ. એમ. કીરાવાની, મને મૃત હોવા જેવી લાગણી થઈ રહી છે, કારણ કે મૃતકની જ લોકો પ્રશંસા કરે છે.’