રોહિત શેટ્ટીએ સિંઘમ અગેઇનના રાઇટ્સ વેચીને પોતાની અને અજય દેવગનની કરીઅરની સૌથી મોટી નૉન-થિયેટ્રિકલ ડીલ કરી
રોહિત શેટ્ટી, અજય દેવગન (સિંઘમ અગેઇન)
‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ બાદ ડિરેક્ટર રોહિત શેટ્ટીના કૉપ યુનિવર્સની પાંચમી ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ આ દિવાળીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સિંઘમ તરીકે અજય દેવગન, સિમ્બા તરીકે રણવીર સિંહ અને સૂર્યવંશી તરીકે અક્ષય કુમાર ઉપરાંત વિલનના પાત્રમાં અર્જુન કપૂર અને જૅકી શ્રોફ છે. આ ઉપરાંત ‘સિંઘમ 2’માં સિંઘમની પ્રેમિકા બનેલી કરીના કપૂર પણ છે. દીપિકા પાદુકોણ લેડી કૉપ તરીકે તો ટાઇગર શ્રોફ પણ મહત્ત્વના પાત્રમાં જોવા મળશે.
‘સિંઘમ અગેઇન’ સાથે જ રિલીઝ થઈ રહેલી કાર્તિક આર્યન – અનીસ બઝ્મીની ‘ભૂલભુલૈયા 3’નું પોસ્ટર અને ટીઝર લૉન્ચ થઈ ચૂક્યું છે. રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’નું ટ્રેલર આવનારા દિવસોમાં રિલીઝ થાય એવાં એંધાણ છે એવામાં રિપોર્ટ્સ છે કે રોહિત શેટ્ટી અને જિયો સ્ટુડિયોઝે ફિલ્મના નૉન-થિયેટ્રિકલ રાઇટ્સ આશરે ૨૦૦ કરોડમાં વેચ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર આ ડીલ ફિલ્મના સૅટેલાઇટ, ડિજિટલ અને મ્યુઝિક રાઇટ્સ માટે થઈ છે. આ રોહિત શેટ્ટી અને ઈવન અજય દેવગનની પણ અત્યાર સુધીની સૌથી મોટી નૉન-થિયેટ્રિકલ ડીલ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે રોહિત શેટ્ટીની ફિલ્મો માટે હંમેશ વધારે ડિમાન્ડ રહે છે. એટલે તેઓ સૅટેલાઇટ રાઇટ્સ થકી વધુ પૈસા કમાય છે. ‘સિંઘમ અગેઇન’ સાથે પણ એવું જ થયું છે. આ ફિલ્મના રાઇટ્સ પણ મોંઘા વેચાયા છે, કારણ કે દાયકાઓ બાદ કોઈ ફિલ્મ માટે આટલી મોટી અને તગડી કાસ્ટ એકસાથે આવી રહી છે. નૉન-થિયેટ્રિકલ પાર્ટનર્સને પણ ખાતરી છે કે આ ફિલ્મને સારી વ્યુઅરશિપ મળશે. રિલીઝ બાદ એ અન્ય મીડિયમ પર પણ જોવાશે. બીજું એ કે અજય દેવગન અને રોહિત શેટ્ટી બન્નેની ઇન્ડિવિજ્યુઅલ બ્રૅન્ડ-વૅલ્યુ બહુ મોટી છે અને તેમની ફિલ્મોની રિપીટ-વૅલ્યુ વધારે હોય છે.