તાપસી પન્નુએ ખૂબ જ હટકે ફિલ્મ બનાવી છે અને એ બની પણ છે, પરંતુ થોડી શૉર્ટ કરવામાં આવી હોત તો વધુ સારું થયું હોત : રત્ના પાઠક શાહની ઍક્ટિંગ કમાલની છે અને ડાયલૉગ પણ તેમને ભાગે સારા આવ્યા છે
ધક ધક
રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા, ફાતિમા સના શેખ અને સંજના સંઘીની ફિલ્મ ‘ધક ધક’ ગઈ કાલે રિલીઝ થઈ છે. મહિલાઓની રોડ ટ્રિપ પર આધારિત આ ફિલ્મ છે. અત્યાર સુધી બૉલીવુડમાં ઘણી ઓછી રોડ ટ્રિપ પર ફિલ્મ બની છે અને બની હોય તો પણ મોટા ભાગની બૉય્ઝ પર આધારિત છે. મહિલાઓ પર ભાગ્યે જ કોઈ ફિલ્મ બની હોય. કંગના રનોટની ‘ક્વીન’ કહી શકાય, પરંતુ રોડ ટ્રિપ પર આધારિત નહીં. આલિયા ભટ્ટની ‘હાઇવે’ પણ કહી શકાય, પરંતુ એની થીમ એકદમ અલગ હતી. આથી મહિલાઓ માટેની પ્રૉપર રોડ ટ્રિપ પર આધારિત ફિલ્મ બૉલીવુડમાં નહીંવત છે. ત્યારે તાપસી પન્નુએ તેના પ્રોડક્શન હેઠળની આ ફિલ્મ મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવી છે.
સ્ટોરી ટાઇમ
ફિલ્મની સ્ટોરી ચાર મહિલાઓની આસપાસ ફરે છે. શશિકુમાર યાદવ ઉર્ફે સ્કાય એટલે કે ફાતિમા સના શેખ એક ટ્રાવેલ બ્લૉગર હોય છે. તે તેના કામને સાચવવા માટે કેટલાક વિડિયો બનાવવા માગતી હોય છે. એ દરમ્યાન તેને ખબર પડે છે કે એક મહિલા, જેની ઉંમર ૬૦ વર્ષથી વધુની હોય છે એ પણ બાઇક ચલાવતી હોય છે. આ મહિલાનું નામ મનજિત કૌર સોઢી એટલે કે માહી હોય છે. તેની ઇચ્છા લેહ-લદાખ-ખારદુંગલા બાઇક પર જવાની હોય છે. આથી તેઓ બન્ને ત્યાં જવાનો પ્લાન બનાવે છે. આ દરમ્યાન તેમને એક ઑન રોડ મેકૅનિકની જરૂર પડી શકે છે. આ જ દરમ્યાન તેમની મુલાકાત ઉઝમા એટલે કે દિયા મિર્ઝા સાથે થાય છે. તેના લગ્નજીવનમાં તે વ્યસ્ત હોય છે, પરંતુ એક સમયે તે તેના પિતાનું ગૅરેજ સંભાળતી હોય છે. તેને પાનાં આપવામાં આવે તો તે કોઈ પણ બાઇક રિપેર કરી શકે છે. આથી તેને પણ સ્કાય તેની ગૅન્ગમાં સામેલ કરે છે. આ જ દરમ્યાન એક ઇન્ટ્રોવર્ટ છોકરી મંજરી એટલે કે સંજનાની એન્ટ્રી થાય છે. તેની મમ્મીએ તેનાં લગ્ન નક્કી કરી દીધાં હોય છે. આ લગ્નથી તે ખુશ નથી હોતી અને તે પણ આ ટ્રિપ પર જોડાય છે.
ADVERTISEMENT
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
આ ફિલ્મને તરુણ ડુડેજાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને પારિજાત જોશી સાથે મળીને તરુણે લખી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મની વાત મિડલ ક્લાસ મહિલાની છે. તેમ જ આ ફિલ્મમાં ખાસ કરીને મહિલાઓની સાથે ઘરથી લઈને રોડ પર અને કામની જગ્યાથી લઈને બેડરૂમમાં થતા મતભેદને દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ છે. એમાં કોઈ સીક્રેટ્સ નથી, પરંતુ એમ છતાં એ બાંધીને રાખે છે. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ સિનેમૅટોગ્રાફી છે અને સૌથી મોટો માઇનસ પૉઇન્ટ ફિલ્મની લંબાઈ છે. તરુણે રોડ ટ્રિપ દરમ્યાન શું શીખવા મળે છે અને આપણી વિચારસરણી કેવી રીતે બદલાઈ જાય છે એને ખૂબ જ સારી રીતે દેખાડ્યું છે. તેમ જ તેણે રોડ ટ્રિપની સાથે આ ચારે મહિલાના જીવનમાં ચાલતી ગડમથલને પણ ખૂબ જ સારી રીતે દેખાડી છે. તેમ જ આ ટ્રિપ દરમ્યાન મળતી વ્યક્તિ કેવી રીતે આપણને લાઇફ લેસન આપી જાય છે એ પણ જોવા જેવું છે.
પર્ફોર્મન્સ
ફિલ્મમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ અને મહત્ત્વનું પાત્ર રત્ના પાઠક શાહનું છે. ૬૦થી વધુની ઉંમરનું પાત્ર હોવા છતાં તેમણે બાઇક ખૂબ જ સારી રીતે ચલાવી છે અને તેમના જે ડાયલૉગ અને ટાઇમિંગ છે એ જોરદાર છે. તેમણે આ ફિલ્મને ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવી છે. દિયા મિર્ઝાએ પણ મહિલાનું પ્રતિનિધિત્વ ખૂબ જ સારી રીતે કર્યું છે. તેણે તેના પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આ સાથે જ ફાતિમાએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે. તે જેટલી સ્ટ્રૉન્ગ દેખાઈ છે એટલી જ નરમ સ્વભાવની પણ છે. અને એ વસ્તુને તેણે સ્ક્રીન પર ખૂબ જ સારી રીતે દેખાડી છે. સંજનાનું પાત્ર ખૂબ જ કમજોર લખવામાં આવ્યું છે, પરંતુ એમ છતાં તેણે તેની ઍક્ટિંગથી તેના પાત્રને જીવંત કર્યું છે.
મ્યુઝિક
ફિલ્મમાં ઘણાં ગીત છે અને ‘રે બંજારા... હૈ બેપરવાહ’ ખરેખર સારું છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ફિલ્મની સ્ટોરી સાથે બંધ બેસે છે.
જોકે ફિલ્મમાં એકાદ ગીત કાઢી નાખવામાં આવ્યું હોત તો વધુ ફરક ન પડ્યો હોત.

