સરોજ ખાનને યાદ કરતાં પ્રિયંકાએ કહ્યું...
પ્રસિદ્ધ કોરિયોગ્રાફર સરોજ ખાનને યાદ કરતાં પ્રિયંકા ચોપડા જોનસે ભાવુક થઈને જણાવ્યું કે સ્વર્ગ હવે તમારી ટ્યુન પર થનગનશે. સરોજ ખાનના નિધનથી બૉલીવુડમાં સોપો પડી ગયો છે. ૨૦૧૧માં આવેલી ‘અગ્નિપથ’ના ‘ગુન ગુન ગુના રે’ ગીતની સરોજ ખાને કોરિયોગ્રાફી કરી હતી. આ ગીત પ્રિયંકા પર ફિલ્માવવામાં આવ્યું હતું. તેમનો ફોટો ટ્વિટર પર શૅર કરીને પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું, ‘મારા માટે તેઓ હંમેશાં એક ઇન્સ્ટિટ્યુશન રહેવાનાં છે. તેમણે મસ્તી, ઇમોશન અને પૅશન સાથે ડાન્સના એક યુગનું નિર્માણ કર્યું હતું. ‘ગુન ગુન ગુના રે...’ માસ્ટરજી, કદાચ સ્વર્ગ હવે તમારી ધૂન પર થનગનશે. ટીનેજનાં મારાં અનેક સપનાં પૂરાં થયાં છે, જ્યારે તેમણે ‘અગ્નિપથ’માં મારા ગીતને કોરિયોગ્રાફ કર્યું હતું. સરોજજી ટાસ્કમાસ્ટર, પર્ફેક્શનિસ્ટ, ઇનોવેટર અને જિનીયસ હતાં. અનેક લોકો તેમને માટે અનેક વ્યાખ્યા કરતા હતા.’

