રણવીર સિંહની ફિલ્મ '83' સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થાય
'83' સિનેમાઘરોમાં 10 એપ્રિલે રિલીઝ થવાની હતી
રણવીરસિંહ અને દિપિકા પાદુકોણ સ્ટાટર ફિલ્મ '83' લૉકડાઉન બાદ થિયેટરો ખુલે તે પહેલા જ OTT પ્લેટફોર્મ વેચવામાં આવશે તેવા અહેવાલો અને અફવાઓને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ફિલ્મના સહનિર્માતાઓએ રદિયો આપ્યો છે. કોરોના વાયરસ (COVID-19)ને લીધે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે ફિલ્મની રિલીઝ તારીખ 10 એપ્રિલથી આગળ વધારવામાં આવી ત્યારબાદ અફવાઓએ જોર પકડયું હતું.
તાજેતરમાં ટ્રેડ સર્કિટમાં અટકળોએ જોર પકડયું હતું કે, એક OTT કંપની જેની ભારતમાં નોંધપાત્ર પહોંચ છે તેણે ફિલ્મ '83'ના રાઈટ્સ ખરીદવા માટે મેકર્સને 143 કરોડ રૂપિયાની ઓફર આપી છે. જોકે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે આ તમામ અહેવાલોને નકારી કાઢયા છે અને દાવો કર્યો છે કે જો છ મહિના પછી પણ પરિસ્થિતિ સામાન્ય નહીં થાય તો મૂલ્યાંકન કરીને નિર્ણય લેવાશે, તેમ 'બૉલીવુડહંગામા.કૉમ'ના અહેવાલો કહે છે.
ADVERTISEMENT
રિલાયન્સ એન્ટરટએઈનમેન્ટ ગ્રુપના CEO શિબાશિષ સરકારે 'બૉલીવુડહંગામા.કૉમ'ને કહ્યું હતું કે, આ ખબરોમાં કોઈ જ સચ્ચાઈ નથી '83' મોટા પડદા માટે બનેલી ફિલ્મ છે. તેને નાના પડદે લાવવા માટે અત્યારે અમારી કોઈ ઈચ્છા કે વિચાર નથી. જો પરિસ્થિતિ વધુ બગડે છે અને જો છ મહિના પછી પણ પરિસ્થિતિ સામાન્ય નહીં રહે તો અમે મૂલ્યાંકન કરીને નિર્ણય લેશું. પરંતુ અત્યારે અમે સકારાત્મક વિચારશ્રેણી અપનાવી રહ્યાં છીએ.
ફિલ્મ '83'નું દિગ્દર્શન કબીર ખાને કર્યું છે. આ ફિલ્મ 1983માં ભારતે વર્લ્ડકપ જીત્યો તેના પર આધારિત છે. રણવીર સિંહ ભારતના ભૂતપુર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવે છે અને દીપિકા કપિલની પત્ની રોમી દેવની ભૂમિકા ભજવે છે.

