ગુંડેને લીધે રણવીર અને હું સારા મિત્રો બન્યા છીએ: અર્જુન કપૂર
અર્જુન કપૂરનું કહેવું છે કે ‘ગુંડે’ને કારણે મારી રણવીર સિંહ સાથે ખૂબ સારી દોસ્તી થઈ છે. આ ફિલ્મ ૭ વર્ષ પહેલાં આજની તારીખે રિલીઝ થઈ હતી. ત્યારથી અર્જુન અને રણવીરનો બ્રોમૅન્સ પાંગર્યો છે. આ ફિલ્મમાં તેઓ એકમેક માટે જીવ આપવા તૈયાર હોય છે અને રિયલ લાઇફમાં પણ તેમની દોસ્તી એટલી જ ગાઢ છે. તેમની ફ્રેન્ડશિપ વિશે પૂછતાં અર્જુન કપૂરે કહ્યું કે ‘અમે એકમેકને ઍફ-કૅમેરા ખૂબ પ્રેમ અને રિસ્પેક્ટ આપીએ છીએ અને એથી જ સ્ક્રીન પર એ લોકોને ગમ્યું હતું. અમે એકબીજાથી ફક્ત ૧૦ દિવસના અંતરે જન્મ્યા હતા અને અમારી વચ્ચે ઘણું સામ્ય છે એથી અમારા બૉન્ડ માટે એ વસ્તુ ખૂબ મદદગાર સાબિત થઈ હતી તેમ જ અમે જ્યારે કામ શરૂ કર્યું ત્યારે અમને એક વાતનો અહેસાસ થયો હતો કે તમે ઍક્ટર છો એ તમારે ભૂલી જવું જોઈએ. તમારે એક સારી ફિલ્મ બનાવવા માટે પ્રયત્ન કરતા રહેવાનું અને એની મજા લેતા રહેવાનું. રણવીર અને હું એકમેકને ફિલ્મ પહેલાં પણ થોડા ઘણા ઓળખતા હતા એથી અમારા માટે સેટ પર વાત કરવી થોડી સરળ હતી. ફિલ્મમાં અમે બેસ્ટ ફ્રેન્ડ હતા અને એથી જ અમારે એની ક્રેડિટ અલી અબ્બાસ જફરને આપવી રહી, કારણ કે એને કારણે જ અમે બેસ્ટ ફ્રેન્ડ બન્યા છીએ. તે મારા માટે ખૂબ મોટો ડિરેક્ટર હતો અને રણવીર પણ ક્લોઝ હતો. અમે એકબીજાથી અલગ હોવા છતાં એકમેકમાં ભળી ગયા હતા. અમે શુગર ઍન્ડ સ્પાઇસ જેવા હતા. એકબીજાથી અલગ, પરંતુ સાથે સારા લાગીએ છીએ. અમારી ફિલ્મનું ટ્રેલર લોકોએ જોયું ત્યારે પણ તેઓ સમજી ગયા હતા કે અમે સાથે સારા દેખાઈએ છીએ, પરંતુ અમે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે જ સમજી ગયા હતા કે અમારી આ રિલેશનશિપ ખૂબ સ્પેશ્યલ છે.’

