ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ભત્રીજી રિદ્ધી મલ્હોત્રાના લગ્નમાં ઉર્મિલા અને મોહસિનની મુલાકાત થઇ હતી, આ વાત 2014ની છે અને બે વર્ષ બાદ પોતાનાથી દસ વર્ષ નાના મોહસિન સાથે ઉર્મિલાએ લગ્ન કર્યા હતા
ઉર્મિલા માતોંડકર અને મોહસિન અખ્તરના લગ્ન 2016માં થયા હતા - તસવીર ઇન્સ્ટાગ્રામ
ઉર્મિલા માતોંડકર, રંગીલા અને ભૂત જેવી જોરદાર ફિલ્મોમાં અભિનય કરી, ફિલ્મ ક્ષેત્રે સન્યાસ લીધા પછી રાજકારણમાં ઝંપલાવનાર અભિનેત્રીએ મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા અને જાણવા મળ્યું છે કે તે પોતાના પતિ સાથે આઠ વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા લઇ રહી છે. ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીરે 2016માં લગ્ન કર્યા હતા અને ધર્મના બંધનોને નેવે મુકીને ઉર્મિલાએ આ લગ્ન કર્યા. ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ભત્રીજી રિદ્ધી મલ્હોત્રાના લગ્નમાં ઉર્મિલા અને મોહસિનની મુલાકાત થઇ હતી, આ વાત 2014ની છે અને બે વર્ષ બાદ પોતાનાથી દસ વર્ષ નાના મોહસિન સાથે ઉર્મિલાએ લગ્ન કર્યા હતા.
50 વર્ષની ઉર્મિલાના લગ્નને આઠ વર્ષ થયા છતાં તેમણે ફેમિલ પ્લાનિંગ અંગે વિચાર નહોતો કર્યો અને એક ઇન્ટરવ્યુમાં પહેલાં કહ્યું હતું કે તેને બાળકો ગમે છે છતાં પણ સંતાનો હોવા અનિવાર્ય નથી. અન્ય બાળકો જેમને પ્રેમ નથી મળતો તેમને પણ કાળજી પુરી પાડી શકાય છે પણ જરૂરી નથી કે તમારા પોતાના સંતાનો હોય. 2023 દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં એવી અફવા પણ ચાલી હતી કે ઉર્મિલા મા બનવાની છે પણ બાદમાં સ્પષ્ટતા થઇ હતી કે જે તસવીરને કારણે આ અફવા ઉડી હતી તે તસવીર મોહસિનની ભત્રીજી આયરાની હતી.
ઉર્મિલાએ લગ્ન પણ બહુ ધામધુમથી નહોતા કર્યા. મોહસિન એક મોડલ રહી ચૂક્યો છે અને બિઝનેસમેન છે. ઉર્મિલા માતોંડકરને આપણે સૌ બાળ કલાકાર તરીકે પણ જાણીએ છીએ તેણે શેખર કપૂરની માસુમ ફિલ્મમાં અભિનય કર્યો હતો અને એવી ઘણી ફિલ્મો છે જેમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. મોહસિન મિસ્ટર ઇન્ડિયા સ્પર્ધામાં 2007માં રનર્સ અપ હતો અને પછી તેણે પ્રિટી ઝિંટા સાથે એડ ફિલ્મમાં કામ કર્યું હતું. 2009માં ઇટ્સ અ મેન્સ વર્લ્ડ ફિલ્મમાં અભિનય કર્યો અને ફરહાન અખ્તરની લક બાય ચાન્સમાં પણ નાનકડો રોલ કર્યો હતો. મોહસિનને બૉલીવૂડમાં બહુ સફળતા ન મળી પણ તેણે કાશ્મીરમાં પોતાના બિઝનેસ શરૂ કર્યો હતો.
ADVERTISEMENT
બૉલીવુડમાં સફળતા મેળવીને ક્ષેત્ર સંન્યાસ લેનારી ઉર્મિલાએ ચાર મહિના પહેલા મુંબઈ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. સુત્રો અનુસાર આ છૂટાછેડા મ્યુચ્યલી નથી થઇ રહ્યા પણ હજી કોઇ નક્કર કારણ બહાર નથી આવ્યા. ઉર્મિલા માતોંડકરે તેના જીવનની શ્રેષ્ઠ ફિલ્મો રામ ગોપાલ વર્મા અને અનુરાગ કશ્યપ જેવા ડાયરેક્ટર્સ સાથે કરી છે. સત્યાથી માંડીને રંગીલા અને ત્યાર બાદ મસ્ત જેવી ફિલ્મોમાં ઉર્મિલાએ પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા હતા. થોડા વર્ષો પહેલા ઉર્મિલાએ રાજકારણમાં ઝંપલાવ્યું હતું જો કે એ ક્ષેત્રે તેણે બહુ નોંધપાત્ર યોગદાન નથી આપ્યું.