કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલની વધી શોભા
૨૮મા કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શત્રુઘ્ન સિંહા, શાહરુખ ખાન અને રાની મુખરજીએ હાજરી આપી હતી
રાની મુખરજીનું કહેવુ છે કે કલકત્તા આવીને તેના બાળપણની યાદો તાજી થઈ જાય છે. તેને ૨૮મા કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે ઇન્વાઇટ કરવામાં આવી છે. એને લઈને પોતાની ખુશી વ્યક્ત કરતાં રાનીએ કહ્યું કે ‘કલકત્તાની મુલાકાત મારા માટે હંમેશાં સ્પેશ્યલ રહી છે કેમ કે એ બાળપણની યાદોને તાજી કરે છે અને મારા દિલમાં સિનેમા પ્રત્યે જે પ્રેમ જાગ્યો હતો એની પણ યાદ અપાવે છે. કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મમેકર્સ જેવા કે સત્યજિત રે, રિત્વિક ઘટક, મૃણાલ સેન અને એવા અનેક બંગાળી કલાકારો અને ટેક્નિશ્યન્સની ધરોહરે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાનને સેલિબ્રેટ કરશે. આ વખતે મારી કરીઅરને સેલિબ્રેટ કરવાનું અને અન્ય લોકો સાથે મને સન્માનિત કરવાનું તેમણે નક્કી કર્યું હોવાથી હું ખૂબ ગર્વ અનુભવી રહી છું.’
૨૮મા કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શત્રુઘ્ન સિંહા, શાહરુખ ખાન અને રાની મુખરજીએ હાજરી આપી હતી. અમિતાભ બચ્ચને આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફેસ્ટિવલમાં ૪૨ દેશોની અનેક ફિલ્મો અને શૉર્ટ ફિલ્મ્સ દેખાડવામાં આવશે. બાવીસ ડિસેમ્બર સુધી આ ફેસ્ટિવલનું આયોજન થવાનું છે. ફેસ્ટિવલની શરૂઆત અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની ફિલ્મ ‘અભિમાન’થી કરવામાં આવી. આ ફેસ્ટિવલમાં શાહરુખે તેની સ્પીચ બંગાળીમાં આપી હતી. શાહરુખે કહ્યું કે ‘મેં આ સ્પીચ રાની મુખરજી પાસે લખાવી છે. પસંદ પડે તો પ્રશંસા કરજો અને ન પડે તો રાનીની ભૂલ છે.’ કિંગ ખાનની વાત સાંભળીને આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું.