રણદીપે એક વિડિયો શૅર કર્યો છે. એમાં ફિલ્મની ટીમ સેલિબ્રેશન કરી રહી છે
ફિલ્મની ટીમે રૅપ-અપ પાર્ટી પણ કરી હતી
રણદીપ હૂડાએ તેની આગામી ફિલ્મ ‘સ્વાતંત્ર વીર સાવરકર’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. ફિલ્મની ટીમે રૅપ-અપ પાર્ટી પણ કરી હતી. તેમણે કેક-કટિંગ કર્યું હતું. આ ફિલ્મને ડિરેક્ટ કરીને રણદીપે ડિરેક્શનમાં પહેલી વખત હાથ અજમાવ્યો છે. રણદીપે એક વિડિયો શૅર કર્યો છે. એમાં ફિલ્મની ટીમ સેલિબ્રેશન કરી રહી છે. ટીમ સાથેની કેટલીક યાદગાર ક્ષણોને પણ એમાં દેખાડવામાં આવી છે. આ વિડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણદીપ હૂડાએ કૅપ્શન આપી હતી, ‘ફિલ્મ ‘સ્વાતંત્ર વીર સાવરકર’નું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કામ કરવાનો મને ગજબનો અનુભવ થયો છે. હું મૃત્યુના મોંમાંથી પાછો આવ્યો છું. જોકે એ વિશે પછી વાત કરીશું. હાલમાં તો મારી ટીમ, કાસ્ટ અને ક્રૂનો ખૂબ આભાર કે જેમણે દિવસ-રાત મારા ઉતાર-ચડાવમાં મને સતત સાથ આપીને આ ફિલ્મને શક્ય બનાવી છે. ફાઇનલી હું હવે બરાબર જમી શકીશ. એથી હવે સ્વાદિષ્ટ ભોજન માટે આતુર છું. મારા ખાવાની ટેવને લઈને લોકોમાં ઘણીબધી ખોટી ધારણા હતી. જણાવી દઉં કે શૂટિંગ દરમ્યાન હું જમતો નહોતો. એ વિશે હું જલદી જ સ્પષ્ટતા આપીશ. વંદે માતરમ.’