ફિલ્મને આ વર્ષના અંતમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે
રામચરણ
સલમાન ખાને જણાવ્યું છે કે ‘કિસીકા ભાઈ કિસીકી જાન’માં તેની સાથે રામચરણ પણ જોવા મળવાનો છે. આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મને સલમાન ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મમાં સલમાનની સાથે પૂજા હેગડે અને વેન્કટેશ પણ દેખાશે. ફિલ્મને આ વર્ષના અંતમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. રામચરણની આ ફિલ્મમાં કેવી રીતે એન્ટ્રી થઈ એ વિશે સલમાને કહ્યું કે ‘રામચરણ મને જોવા માટે આવ્યો હતો અને મને કહ્યું કે ‘મારે આ ફિલ્મમાં કામ કરવું છે.’ મેં તેને ના પાડી. જોકે તેણે કહ્યું કે ‘મારે તમારી સાથે એક જ ફ્રેમમાં દેખાવું છે.’ મને લાગ્યું કે કદાચ તે મજાક કરે છે. તો મેં તેને કહ્યું કે આપણે આવતી કાલે એ વિશે વાત કરીશું. બીજા દિવસે સવારે તે તેની વૅનિટી વૅન સાથે પોતાના કૉસ્ચ્યુમ લઈને હાજર થઈ ગયો. અમારી પહેલાં તે સેટ પર પહોંચી ગયો હતો. મેં તેને પૂછ્યું કે ‘તું અહીં શું કરે છે?’ એનો જવાબ આપતાં તેણે કહ્યું કે ‘મને આ ફિલ્મમાં તમારી સાથે કામ કરવું છે.’ આવી રીતે આ ફિલ્મમાં તેની એન્ટ્રી થઈ. તેની સાથે શૂટિંગ કરવાની ખૂબ મજા આવી હતી.’

