આ ફિલ્મના સ્ટોરી રાઇટર અને ડિરેક્ટર રિષભ છે અને તેણે આ ફિલ્મમાં ઍક્ટિંગ પણ કરી છે
રજનીકાન્તે ‘કાંતારા’ની ભારોભાર પ્રશંસા કરી
રજનીકાન્તે ‘કાંતારા’ જોઈને એને બનાવનાર રિષભ શેટ્ટીની ખૂબ પ્રશંસા કરી છે. આ ફિલ્મના સ્ટોરી રાઇટર અને ડિરેક્ટર રિષભ છે અને તેણે આ ફિલ્મમાં ઍક્ટિંગ પણ કરી છે. ફિલ્મ જોયા બાદ એની પ્રશંસા કરતાં ટ્વિટર પર રજનીકાન્તે ટ્વીટ કર્યું કે ‘આપણને જે વસ્તુની જાણ નથી હોતી એના કરતાં અજાણી વસ્તુ વધુ સારી હોય છે. હોમ્બાલે ફિલ્મ્સ સિનેમા ‘કાંતારા’માં આ બાબતને આનાથી વધુ સારી રીતે ન દેખાડી શકે. રિષભ શેટ્ટીની આ ફિલ્મ જોઈને રૂંવાડાં ઊભાં થઈ ગયાં છે. એક રાઇટર, ડિરેક્ટર અને એક ઍક્ટર તરીકે તને સલામ છે. ભારતીય સિનેમામાં આવો માસ્ટરપીસ બનાવવા માટે આખી ટીમને અભિનંદન.’
તો રજનીકાન્તે ફિલ્મની પ્રશંસા કરતાં રિષભની ખુશીની કોઈ સીમા ન રહી. તેમને રિપ્લાય આપતાં રિષભે ટ્વીટ કર્યું કે ‘ડિયર રજનીકાન્ત સર! તમે ભારતના સૌથી મોટા સુપરસ્ટાર છો. હું બાળપણથી જ તમારો ફૅન છું. તમારા તરફથી પ્રશંસાના શબ્દો સાંભળીને મારું સપનું પૂરું થઈ ગયું. તમે મને વધુ લોકલ સ્ટોરીઝ બનાવવા માટે પ્રેરિત કર્યો છે અને તમામ દર્શકોને પણ તમે પ્રેરણા આપો છો. થૅન્ક યુ સર.’