રાજેશ ખન્નાને પ્રેમમાં નિષ્ફળતા મળી હતી!
રાજેશ ખન્ના સુપરસ્ટાર બન્યા પછી આખા દેશની યુવતીઓ તેમની પાછળ પાગલ બની હતી. છોકરીઓ તેમની એક ઝલક મેળવવા બાંદરાના તેમના બંગલા સામે કલાકો સુધી ઊભી રહેતી હતી અને તેમની કાર પર ચુંબન કરીને તેમના પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતી હતી. તો વળી ઘણી છોકરીઓ તો તેમને પોતાના લોહીથી પ્રેમપત્ર પણ લખતી હતી. આ રીતે જેમની પાછળ કરોડો છોકરીઓ ગાંડી બની હતી એવા રાજેશ ખન્ના ટીનેજર હતા ત્યારે એક છોકરીના પ્રેમમાં ગળાડૂબ પડી ગયા હતા, પણ તેમની એ પ્રેમકહાની અધૂરી રહી ગઈ હતી.
રાજેશ ખન્ના સ્કૂલમાં ભણતા હતા એ દરમ્યાન પ્રેમમાં પડ્યા હતા. રાજેશ ખન્નાની ૧૨ વર્ષની ઉંમર હતી ત્યારે તેમને તેમના પાલક પિતા ચુનીલાલ ખન્નાએ (જે તેમના કાકા હતા) સરસમજાની સાઇકલ લઈ આપી હતી. એ વખતે તેમની ઉંમર ૧૨ વર્ષની હતી એટલે કે તેમનું તેરમું વર્ષ ચાલી રહ્યું હતું. રાજેશ ખન્ના વટભેર એ નવી સાઇકલ ચલાવવા નીકળ્યા હતા.
નવી સાઇકલ હતી અને ઉંમર એવી હતી કે તેમનામાં જોમ ઊભરાયું. તેઓ જોશભેર સાઇકલનાં પૅડલ મારવા લાગ્યા. સાઇકલની સ્પીડ વધી ગઈ અને એ વખતે જ તેમણે બૅલૅન્સ ગુમાવ્યું એટલે તેઓ વેગ સાથે જમીન પર ફસડાયા. તેમનાં ઘૂંટણ છોલાઈ ગયાં અને એમાંથી લોહી વહેવા લાગ્યું. વાગવાની પીડા અને લોહી વહેતું જોઈને તેઓ રડવા માંડ્યા.
તેમનો રડવાનો અવાજ સાંભળીને એક રૂપાળી પાડોશી છોકરી દોડી આવી. તેણે જોયું કે ખન્ના સાઇકલ સાથે નીચે પટકાયો છે અને તેને ઘૂંટણમાં વાગ્યું છે એટલે તે ઘરમાંથી કપડાનો ટુકડો લાવી અને તેણે લોહી સાફ કરીને તેમને જૂની સાડીમાંથી ફાડેલા કપડાથી પાટો બાંધી આપ્યો. તે છોકરીનું નામ સુરેખા હતું. તે છોકરીને જોઈને રાજેશ ખન્નાએ રડવાનું બંધ કરી દીધું. તેમને પુરુષ તરીકે અહમ્ નડ્યો કે છોકરી સામે તો કઈ રીતે રડી શકાય! તે છોકરી પાટો બાંધતી હતી એ વખતે તેનો ચહેરો રાજેશ ખન્નાના ચહેરાની એકદમ નજીક આવી ગયો હતો. પાટો બાંધ્યા પછી તેણે રાજેશ ખન્નાને ઉત્કટતા સાથે ચુંબન કરી લીધું!
રાજેશ ખન્નાએ આ કિસ્સો લેખક બની રૂબેનને કહ્યો હતો. તેમણે રૂબેનને કહ્યું હતું કે એ મારો પહેલો પ્રેમ હતો. એ પછી તો રાજેશ ખન્ના અને સુરેખા બહાર ફરવા જવા લાગ્યાં. તેઓ સાથે ફિલ્મો જોવા પણ જવા લાગ્યાં, બહાર ફરવા લાગ્યાં અને બન્ને વચ્ચે ગાઢ પ્રેમ થઈ ગયો. સુરેખાની ઉંમર ૧૬ વર્ષ હતી. રાજેશ ખન્નાએ બની રૂબેનને કહ્યું હતું કે અમે બન્ને થિયેટરમાં ફિલ્મ જોવાના બહાને જઈએ ત્યારે સુરેખા મારો હાથ તેના હાથમાં પકડીને બેસતી અને થિયેટરના અંધારામાં મને જબરદસ્ત રોમાંચની લાગણી થતી હતી.
જોકે રાજેશ ખન્નાની એ પ્રેમકહાની અધૂરી જ રહી ગઈ. રાજેશ ખન્ના સુરેખાને પામવાનાં સપનાં જોતા હતા, પણ સુરેખા ૧૮ વર્ષની થઈ (એ વખતે રાજેશ ખન્નાનું પંદરમું વર્ષ ચાલતું હતું) એ વખતે તેનાં માતા-પિતા તેને તેમના વતન લઈ ગયા અને તેમણે તેને ત્યાં જ પરણાવી દીધી. એ રીતે રાજેશ ખન્નાના જીવનની એ પ્રથમ પ્રેમકહાનીનો કરુણ અંત આવ્યો હતો.