આ ફિલ્મની સ્ટોરી ઇસરો (ISRO) એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના સાયન્ટિસ્ટ નામ્બી નારાયણનની લાઇફ પર આધારિત છે
આર. માધવન
આર. માધવનની ‘રૉકેટરી : ધ નામ્બી ઇફેક્ટ’નું ૭૫મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૯ મેએ પ્રિમીયર થવાનું છે. આ ફિલ્મની સ્ટોરી ઇસરો (ISRO) એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના સાયન્ટિસ્ટ નામ્બી નારાયણનની લાઇફ પર આધારિત છે. તેઓ ૧૯૭૦માં ભારતમાં લિક્વિડ ફ્યુઅલ રૉકેટની ટેક્નૉલૉજી લઈ આવ્યા હતા. ભારતની મિનિસ્ટ્રી ઑફ કલ્ચરે આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરી હતી. ફિલ્મમાં આર. માધવન સાયન્ટિસ્ટ નાંબીના રોલમાં દેખાવાનો છે. તેણે જ ફિલ્મને ડિરેક્ટ, પ્રોડ્યુસ અને લખી છે. આ ફિલ્મ ૧ જુલાઈએ હિન્દી, તામિલ, તેલુગુ, અંગ્રેજી, મલયાલમ અને કન્નડ ભાષામાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખ ખાન અને સૂર્યાની સ્પેશ્યલ એન્ટ્રી પણ જોવા મળશે. ફિલ્મનું પ્રીમિયર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનું હોવાથી પોતાની ખુશી વ્યક્ત કરતાં આર. માધવને કહ્યું કે ‘હું ચોંકી ગયો હતો. નામ્બી નારાયણનની સ્ટોરી લોકોને જણાવવાના ઉદ્દેશ સાથે ફિલ્મની શરૂઆત કરી હતી. મને વિશ્વાસ નથી બેસતો કે આવું પણ થશે. અમે ખૂબ લાંબો સમય રાહ જોઈ છે. ભગવાનની કૃપાથી અમે આભારી છીએ. ફિલ્મને લઈને જે પણ સારી બાબતો થઈ રહી છે એ જોવા માટે ઉત્સુક છું. ડિરેક્ટર તરીકે આ મારી પહેલી ફિલ્મ હોવાથી મારી મૂંઝવણ વધી રહી છે અને હું નિરાંતથી નથી બેસી શકતો. આશા છે કે આ ફિલ્મ ભારતને ગર્વ પમાડશે.’
ફિલ્મનો પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આર. માધવને કૅપ્શન આપી હતી, ‘૧૯ મેએ રાતે ૯ વાગ્યે ‘રૉકેટરી : ધ નાંબી ઇફેક્ટ’નું વર્લ્ડ પ્રીમિયર કાનમાં થવાનું છે. અમે જ્યારે આની જર્નીની શરૂઆત કરી ત્યારે અમને આના વિશે જરા પણ કલ્પના નહોતી. શ્રી નાંબી નારાયણનની સ્ટોરી લોકોને દેખાડવાનો જ અમારો ઉદ્દેશ હતો. ભગવાનની કૃપા અને તમારા આશીર્વાદથી એ જ ઇચ્છા અમને દૂર સુધી લઈ આવી છે. અમારા માટે પ્રાર્થના કરો.’