એક કરોડ રૂપિયા અલ્લુ અર્જુનના, ૫૦-૫૦ લાખ પ્રોડ્યુસર-ડિરેક્ટરના
અલ્લુ અર્જુન
ચોથી ડિસેમ્બરે રાતે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2 : ધ રૂલ’ના પ્રીમિયર વખતે થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલી ૩૫ વર્ષની રેવતી નામની મહિલાના પરિવારને ઍક્ટર અલ્લુ અર્જુન, ફિલ્મનિર્માતા અને ડિરેક્ટર દ્વારા સહિયારી બે કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. આ મહિલાનો ૧૩ વર્ષનો દીકરો શ્રીતેજ ગંભીર રીતે ઘાયલ થયો હતો, પણ હવે તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.
અલ્લુ અર્જુનના પિતા અને જાણીતા પ્રોડ્યુસર અલ્લુ અરવિંદે બુધવારે કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (KIMS) હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રીતેજની મુલાકાત લીધા બાદ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મેં ડૉક્ટર્સ સાથે વાતચીત કરી છે અને તેની તબિયત સારી થઈ રહી છે.
ADVERTISEMENT
અલ્લુ અરવિંદે મીડિયાને જણાવ્યું હતું કે ‘તેલંગણ સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના ચૅરમૅન દિલ રાજુને ચેક સુપરત કરવામાં આવ્યો છે. અલ્લુ અર્જુને એક કરોડ રૂપિયા, ફિલ્મના પ્રોડ્યુસર મૈત્રી મૂવીઝે ૫૦ લાખ અને ફિલ્મના ડિરેક્ટર સુકુમારે ૫૦ લાખ રૂપિયાની સહાય કરી છે.’
અલ્લુ અર્જુને આ દુર્ઘટનાના બે દિવસ બાદ મહિલાના પરિવારને પચીસ લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી અને શ્રીતેજની સારવારનો ખર્ચ ઉપાડી લેવા અને તમામ પ્રકારની સહાયની ખાતરી આપી હતી.
શ્રીતેજના પિતા ભાસ્કરે મંગળવારે જણાવ્યું હતું કે ‘અલ્લુ અર્જુન તરફથી ૧૦ લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મળ્યો છે. ઍક્ટરનો મૅનેજર પણ મારા સંપર્કમાં રહે છે અને શ્રીતેજના સ્વાસ્થ્યની અપડેટ લેતો રહે છે.’
આ પરિવારને તેલંગણ સરકાર અને અલ્લુ અર્જુન તરફથી સહાય મળી રહી છે. આ મુદ્દે ભાસ્કરે જણાવ્યું હતું કે ‘તેલંગણના રોડ અને બિલ્ડિંગ ખાતાના પ્રધાન કે. વી. રેડ્ડીએ પચીસ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ૨૦ દિવસ બાદ શ્રીતેજમાં થોડી બૉડી-મૂવમેન્ટ દેખાઈ હતી. તેણે આંખો ખોલી હતી પણ તે હજી અમને કોઈને ઓળખતો નથી.’