મૃત્યુ પામેલી મહિલાના પરિવાર માટે ૧ કરોડ રૂપિયાના વળતરની માગણી
ગઈ કાલે અલ્લુ અર્જુનના ઘરે ધમાલ મચાવવા પહોંચેલા તોફાનીઓ
ઓસ્માનિયા યુનિવર્સિટીની જૉઇન્ટ ઍક્શન કમિટીના કેટલાક સભ્યો ગઈ કાલે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં આવેલા અલ્લુ અર્જુનના બંગલા પર ધસી ગયા હતા અને તેમણે પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું. આ લોકો અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરો અને ટમેટાં ફેંકતા નજરે પડ્યા હતા. તેમણે અલ્લુ અર્જુનના બંગલામાં ઘૂસવાની કોશિશ કરી હતી. તેઓ માગણી કરી રહ્યા હતા કે સંધ્યા થિયેટરની બહાર થયેલી ધક્કામુક્કીમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને ૧ કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે અને પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા તેના ૮ વર્ષના દીકરાને ન્યાય મળે. પોલીસે આ મામલામાં ૮ જણની ધરપકડ કરી હતી.
આ બનાવ બન્યો એના થોડા કલાક પહેલાં જ અલ્લુ અર્જુને ગઈ કાલે તેના ફૅન્સને અપીલ કરી હતી કે તેઓ ઑનલાઇન કે ઑફલાઇન કોઈ પણ પ્રકારની અભદ્ર ભાષાનો પ્રયોગ ન કરે અને એ પ્રકારનું વર્તન પણ ન કરે.