પોલીસે બહાર પાડ્યું નિવેદન
ફાઇલ તસવીર
અલ્લુ અર્જુનની ધરપકડ કરવા બદલ પોલીસની ટીકા થઈ રહી છે ત્યારે ગઈ કાલે પોલીસે નિવેદન બહાર પાડ્યું હતું જેમાં ભાગદોડની ઘટના માટે અભિનેતા અલ્લુ અર્જુન સીધી રીતે સંકળાયેલો હતો એટલે તેની સામે ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું નોંધ્યું હતું. આ નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ‘સંધ્યા થિયેટરની બહાર મોટી સંખ્યામાં ફૅન્સ એકત્રિત થયા હતા. ‘પુષ્પા 2 : ધ રૂલ’ ફિલ્મના સ્ક્રીનિંગ માટે ૪ ડિસેમ્બરની રાતે અલ્લુ અર્જુન પહોંચ્યો હતો ત્યારે ફૅન્સનું અભિવાદન મેળવવા માટે અલ્લુ અર્જુને કારની સનરૂફમાંથી બહાર નીકળીને હાથ હલાવ્યા હતા. એ જોઈને અભિનેતાની એક ઝલક મેળવવા અનેક લોકો થિયેટરના મેઇન ગેટ તરફ ધસી આવ્યા હતા. ઉપરાંત અભિનેતાના સિક્યૉરિટી ગાર્ડ્સે અલ્લુની કારને ચાલવા માટે આસપાસ ભેગા થયેલા લોકોને ધક્કો મારીને રસ્તો બનાવ્યો હતો. પોલીસે અભિનેતા અને તેના સિક્યૉરિટી સ્ટાફને તાત્કાલિક થિયેટરના પરિસરમાંથી નીકળી જવાની ચેતવણી આપી હતી. તેમણે પોલીસની વાત નહોતી માની અને બે કલાક સુધી અભિનેતા થિયેટરમાં હાજર રહ્યો હતો જેને લીધે સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી અને ભાગદોડ થતાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો.’