વિધાનસભામાં AIMIMના અકબરુદીન ઓવૈસીનો દાવો
વિધાનસભ્ય અકબરુદ્દીન ઓવૈસી
‘પુષ્પા 2 : ધ રૂલ’ના પ્રીમિયર વખતે સંધ્યા થિયેટરની બહાર થયેલી નાસભાગ વિશે તેલંગણની વિધાનસભામાં ચર્ચા થઈ ત્યારે ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વિધાનસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ ચોંકાવનારા દાવા કર્યા હતા. ઓવૈસીએ વિધાનસભામાં કહ્યું હતું કે હું એ ફેમસ ફિલ્મસ્ટારનું નામ નથી લેવા માગતો, કારણ કે હું તેને વધુ મહત્ત્વ નથી આપવા માગતો. આવું કહ્યા પછી ઓવૈસીએ કહ્યું હતું કે ‘મને મળેલી જાણકારી મુજબ થિયેટરની બહાર જે થયું એ ત્યાં ફિલ્મ જોઈ રહેલા સ્ટારને જણાવવામાં આવ્યું હતું. પોલીસે પણ તેને કહ્યું કે બહાર ધક્કામુક્કી થઈ છે. એક મહિલાનું મૃત્યુ થયું છે અને બે બાળકો પડી ગયાં છે. એ સાંભળીને સ્ટારે તેના તરફ વળીને સ્માઇલ આપી હતી અને કહ્યું હતું કે હવે ફિલ્મ હિટ જશે.’
અકબરુદ્દીન ઓવૈસીએ એવો પણ દાવો કર્યો હતો કે મહિલાના મૃત્યુ વિશે જાણ્યા પછી પણ ઍક્ટરે ફિલ્મ જોઈ હતી અને બહાર નીકળ્યા પછી જતી વખતે ઘાયલોના ખબર પૂછવાને બદલે ચાહકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.