ડિનરમાં ભાત અને વેજિટેબલ કરી ખાધાં
અલ્લુ અર્જુન પત્ની સ્નેહા રેડ્ડી અને ચિરંજીવી સાથે
હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર થયેલી નાસભાગમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો એ કેસમાં અલ્લુ અર્જુનની શુક્રવારે ધરપકડ થઈ હતી. હાઈ કોર્ટે તેને સાંજે આ કેસમાં વચગાળાના જામીન આપી દીધા હતા, પણ ટેક્નિકલ કારણસર અલ્લુ અર્જુને શુક્રવારની રાત જેલમાં વિતાવવી પડી હતી. અલ્લુ અર્જુનના આ જેલવાસની કેટલીક વિગતો હવે બહાર આવી છે. તેલંગણ પ્રિઝન્સ ડિપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે હાઈ કોર્ટના આદેશ મુજબ અલ્લુ અર્જુનને સ્પેશ્યલ ક્લાસ કેદી ગણવામાં આવ્યો હતો. સ્પેશ્યલ ક્લાસ કેદીને જેલમાં સૂવા માટે કૉટ, એક ટેબલ અને એક ખુરસી આપવામાં આવે છે. અલ્લુ અર્જુનને જેલના એક અલગ સેક્શનમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં સંધ્યા થિયેટર કેસના અન્ય આરોપીઓ પણ હતા.
અલ્લુ અર્જુને જેલમાં કોઈ સ્પેશ્યલ ફેવર નહોતી માગી એમ જણાવતાં જેલના અધિકારીએ કહ્યું હતું કે જેલમાં આવવાને લીધે તે ડિપ્રેસ થઈ ગયો હોય એવું જણાતું નહોતું અને તેણે ભાત અને વેજિટેબલ કરીનું ડિનર કર્યું હતું.
ADVERTISEMENT
કાકા ચિરંજીવીને મળવા ગયો અલ્લુ અર્જુન
જેલમાંથી બહાર આવ્યા પછી અલ્લુ અર્જુન ગઈ કાલે પત્ની સ્નેહા રેડ્ડી અને બાળકો સાથે કાકા ચિરંજીવીને મળવા ગયો હતો. અલ્લુ અર્જુન પોતે ડ્રાઇવ કરીને ચિરંજીવીના ઘરે ગયો હતો.