ઑફિસ વેચી હોવાની વાતને ફગાવી દીધી વાશુ ભગનાણીએ
વાશુ ભગનાણી
વાશુ ભગનાણીએ નુકસાનની ભરપાઈ કરવા માટે તેની ઑફિસ વેચી દીધી હોવાની વાતને ફગાવી દીધી છે. ૩૫૦ કરોડના બજેટમાં બનેલી ‘બડે મિયાં છોટે મિયાં’એ ૫૯.૧૭ કરોડ રૂપિયાનો બૉક્સ-ઑફિસ પર વકરો કર્યો હતો. આ ફિલ્મ માટે વાશુ ભગનાણીએ ૨૫૦ કરોડ રૂપિયા ઇન્વેસ્ટરને આપવાના હોવાથી તેમણે ઑફિસ વેચી હોવાની ચર્ચા ચાલી હતી. તેમ જ ઑફિસના કેટલાક કર્મચારીઓને પણ કાઢવામાં આવ્યા હોવાની ચર્ચા હતી. આ વિશે વાશુ ભગનાણી કહે છે, ‘હું છેલ્લાં ૩૦ વર્ષથી બિઝનેસમાં છું. જો કોઈ કહે કે મારે તેમને પૈસા ચૂકવવાના છે તો તેઓ સામે આવીને એ વિશે બોલી શકે છે. તેમની પાસે પ્રૉપર કૉન્ટ્રૅક્ટ હતો? શું તેમણે કેસ કર્યો છે? કોઈ પણ ઇશ્યુનો ઉકેલ લાવવા માટે ઘણા રસ્તા હોય છે નહીં કે સોશ્યલ મીડિયા પર એ વિશે વાત કરવી. મારી ઑફિસે આવો, મને ઇશ્યુ જણાવો અને ૬૦ દિવસમાં એનો ઉકેલ આવશે. જ્યાં સુધી ઑફિસ વેચવાની વાત છે ત્યાં સુધી અમે એનું રિનોવેશન કરીએ છીએ અને એનું પ્લાનિંગ એક વર્ષથી ચાલી રહ્યું હતું.’

