પ્રિયંકા ચોપડાનું કહેવું છે કે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને કૉર્નર કરવામાં આવી રહી હતી
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે બૉલીવુડના લોકો દ્વારા તેને કૉર્નર કરવામાં આવી રહી હોવાથી તે અમેરિકા જતી રહી હતી. તેણે અમેરિકામાં કરીઅર બનાવવાનું ચૉઇસથી નહોતું કર્યું, પરંતુ તેને બૉલીવુડમાંથી બહાર કાઢવામાં આવી રહી હોવાથી તેણે અન્ય જગ્યાએ કામ શોધવાનું શરૂ કર્યું હતું. પ્રિયંકાએ હાલમાં જ ડેક્સ શેફર્ડના પૉડકાસ્ટ આર્મચૅર એક્સપર્ટમાં હાજરી આપી હતી. પ્રિયંકા જ્યારે વિશાલ ભારદ્વાજની ‘સાત ખૂન માફ’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે દેસી હિટ્સની અંજુલા અચારિયા દ્વારા તેને ફોન કરવામાં આવ્યો હતો કે શું તે અમેરિકામાં મ્યુઝિક કરીઅર બનાવવા વિચારી રહી છે. ત્યાર બાદ પ્રિયંકાએ ત્યાં કરીઅર બનાવવાની કોશિશ કરવાનું વિચાર્યું હતું. આ વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યુ કે ‘મને બૉલીવુડમાં કૉર્નરમાં ધકેલી દેવામાં આવી હતી. લોકો મને કાસ્ટ નહોતા કરી રહ્યા. લોકો સાથે મારા મતભેદ થયા હતા. તેમની રમત મને રમતાં ન આવડતી હોવાથી તેમના પૉલિટિક્સથી હું કંટાળી ગઈ હતી. આથી મને પણ થયું કે મને બ્રેક જોઈએ છે. આથી આ મ્યુઝિકને કારણે મને દુનિયાના અન્ય ખૂણામાં જવાની તક મળી હતી. ફિલ્મોની મને ભૂખ નહોતી, પરંતુ મારે અન્ય લોકોને ઇમ્પ્રેસ કરવા હતા. એ માટે ઘણું શીખવાની જરૂર પડે છે, પરંતુ હું ઘણાં વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં હતી આથી મને નહોતું લાગ્યું કે મારે કંઈ તૈયારી કરવાની જરૂર છે. આથી જ્યારે મ્યુઝિક આવ્યું ત્યારે મેં કહ્યું ચાલો, હું હવે અમેરિકા જઈ રહી છું.’
તેણે ઘણા ફેમસ સિંગર પિટબુલ, વિલ આઇ એમ અને ફેરેલ વિલિયમ્સ સાથે કામ કર્યું હતું. તે જેઝીને પણ મળી હતી, પરંતુ તેની મ્યુઝિક કરીઅર આગળ નહોતી વધી અને તેને ખબર પડી ગઈ હતી કે ઍક્ટિંગમાં જ તે માહેર છે. ત્યાર બાદ તેને કોઈએ અમેરિકામાં ઍક્ટિંગ કરવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે તેણે કોશિશ કરી અને તેને ૨૦૧૫માં ‘ક્વૉન્ટિકો’ શો મળી ગયો હતો. ત્યાર બાદ તે ઘણા પ્રોજેક્ટમાં જોવા મળી હતી. તે હવે ‘સિટાડેલ’ અને ‘લવ અગેઇન’માં જોવા મળવાની છે.
પ્રિયંકા રિયલ લાઇફ સ્ટાર છે : વિવેક અગ્નિહોત્રી
ADVERTISEMENT
વિવેક અગ્નિહોત્રીનું કહેવું છે કે પ્રિયંકા ચોપડા જોનસ એક રિયલ લાઇફ સ્ટાર છે. પ્રિયંકાએ હાલમાં જ જાહેર કર્યું છે કે તેને બૉલીવુડમાં કૉર્નર કરવામાં આવી હતી અને કોઈ કામ નહોતું આપી રહ્યું. તેના આ સ્ટેટમેન્ટ બાદ ઘણા લોકો તેના સપોર્ટમાં આવ્યા છે. આ લિસ્ટમાં વિવેક અગ્નિહોત્રી પણ છે. આ વિશે વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું કે ‘પાવરફુલ લોકો જ્યારે લોકોને હેરાન કરે છે ત્યારે કેટલાક હાર માની લે છે, કેટલાક સરન્ડર કરી લે છે, કેટલાક હાર માનીને ત્યાંથી ભાગી જાય છે, કેટલાક ડ્રગ્સ લેતા થઈ જાય છે અને કેટલાક સુસાઇડ કરે છે. આ હરાવી ન શકાય એવી ગૅન્ગના લોકો જ્યારે લોકોને હેરાન કરે છે ત્યારે ખૂબ જ એટલે ખૂબ જ ઓછા લોકો હોય છે જે પોતાની સફળતાની એક અલગ દુનિયા બનાવે છે. આ લોકો રિયલ લાઇફ સ્ટાર છે.’