પ્રિયંકાએ લોકોની અનેક શંકાઓનું WHOના ડૉક્ટરો સાથે મળીને નિવારણ કર્યું
પ્રિયંકા ચોપડા જોનસ
લોકોમાં કોરોના વાઇરસને કારણે જે પણ શંકાઓ અને સવાલ છે એનો સચોટ જવાબ આપવા માટે પ્રિયંકા ચોપડા જોનસે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડૉક્ટરો સાથે મળીને એક લાઇવ સેશનનું આયોજન કર્યું હતું. આ સેશનમાં દેશ અને દુનિયાના પિસતાળીસ હજાર લોકોએ ભાગ લીધો હતો. આ સેશનમાં ભાગ લેતાં સૌપ્રથમ સવાલ તેના હસબન્ડ નિક જોનસે પૂછ્યો હતો. પ્રિયંકાએ તેના ફૅન્સને સાથે જ વિનંતી પણ કરી છે કે લોકોમાં આ દિશામાં સજાગતા ફેલાવવામાં આવે. એ લાઇવ સેશનને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે કોરોના વાઇરસને લઈને હાલમાં જાતજાતની માહિતીઓ ફેલાઈ રહી છે. એવામાં હાલમાં આપણને આ દિશામાં ખરી જાણકારી મળવી પણ જરૂરી છે. WHO અને ગ્લોબલ સિટિઝન્સના મારા ફ્રેન્ડ્સ સાથે મળીને એ ડૉક્ટરોને તમારી સમક્ષ લઈ આવ્યા છે જે હાલમાં યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. એક્સપર્ટ્સ પાસે તમને તમારા તમામ જવાબો મળી જશે. ડૉક્ટર ટેડ્રોસ (WHOના ડિરેક્ટર જનરલ) અને ડૉક્ટર મારિયા વેન કેરકોવ (કોરોના માટે ટેક્નિકલ લીડ) સાથેનું મારું લાઇવ સેશન જુઓ. તમે મોકલાવેલા સવાલોના તેમણે જવાબ આપ્યા. સાથે જ આપણી એક નૈતિક જવાબદારી સમજતાં આપણે WHOને ડોનેટ કરીએ. સાથે જ એકતા દેખાડી મદદ કરીએ. તમારા ફ્રેન્ડ્સ અને ફૅમિલીને આ લિન્ક ટૅગ કરો, જેથી તેમને પણ જવાબો મળી જાય અને યોગ્ય પગલાં લે. ડૉક્ટર ટેડ્રોસ અને ડૉક્ટર મારિયા, અમારા માટે તમે
સમય કાઢ્યો એ માટે તમારો આભાર. ગ્લોબલ સિટિઝન્સ તમારાં ઉલ્લેખનીય કાર્યો માટે પણ આભાર. દરેક વ્યક્તિએ જવાબદાર બનવું જોઈએ, ઘરમાં રહો અને સલામત રહો.’

