હિન્દી અને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં વરિષ્ઠ અભિનેત્રી સુલોચના લાટકરના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે ગઈ કાલે દાદરના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા
ફાઇલ તસવીર
હિન્દી અને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં વરિષ્ઠ અભિનેત્રી સુલોચના લાટકરના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે ગઈ કાલે દાદરના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા. તેમને અંતિમ વિદાય આપવા માટે અનેક લોકો હાજર હતા. મહારાષ્ટ્રના ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને જૅકી શ્રોફ પણ હાજર હતા. સુલોચના લાટકરે હિન્દી ફિલ્મોમાં મુખ્યત્વે ઍક્ટર્સની માતાનો રોલ ભજવ્યો છે. તેમને પદ્મશ્રી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્ર સરકારે તેમને પ્રતિષ્ઠિત મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યાં હતાં. તેમનો જન્મ ૧૯૨૮ની ૩૦ જુલાઈએ થયો હતો. તેમણે ૧૯૪૬થી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમને યાદ કરતાં ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ‘સુલોચનાજીના નિધનથી ભારતીય સિનેમા જગતને એક મોટી ક્ષતિ થઈ છે. તેમના અતુલનીય પર્ફોર્મન્સથી આપણી સંસ્કૃતિ સમૃદ્ધ થઈ છે અને અનેક પેઢીના લોકો તેમને પ્રેમ કરતા રહેશે. તેમની ભૂમિકા દ્વારા તેમનો વારસો જીવંત રહેશે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.’
અમિતાભ બચ્ચન સાથે તેમણે ‘રેશમા ઔર શેરા’, ‘યારાના’ અને ‘મુકદ્દર કા સિકંદર’માં કામ કર્યું હતું. તેમના અવસાન પર દુ:ખ વ્યક્ત કરતાં બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું કે ‘સિનેમા જગતનાં વધુ એક મહાન અદાકારાને આપણે ગુમાવ્યાં છે. તેઓ નમ્ર, ઉદાર, કાળજી લેનાર મમ્મી હતાં. તેમણે મારી સાથે અનેક ફિલ્મોમાં મારી મમ્મીનો રોલ કર્યો છે. થોડા સમયથી તેઓ બીમાર હતાં. તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી તેમના પરિવાર પાસેથી લેતો હતો. આવી કપરી ઘડીમાં આપણે તેમના માટે પ્રાર્થના કરીએ.’