૯૦ના દાયકામાં આવેલી ‘રામાયણ’ લોકોમાં ખૂબ લોકપ્રિય હતી. એ વખતે અરુણ ગોવિલે રામ ભગવાનની ભૂમિકા ભજવી હતી
પ્રેમ સાગર
રામાનંદ સાગરનો દીકરો પ્રેમ સાગર હવે ‘રામાયણ’ને નવેસરથી બનાવી રહ્યો છે. અરુણ ગોવિલને ભગવાન રામના રોલમાં દેખાડતી જૂની ‘રામાયણ’ સિરિયલ આજે પણ લોકો ભૂલ્યા નથી. એ ‘રામાયણ’ને રામાનંદ સાગરે બનાવી હતી. હવે તેમનો દીકરો પ્રેમ સાગર ‘રામાયણ’ બનાવી રહ્યો છે. ૯૦ના દાયકામાં આવેલી ‘રામાયણ’ લોકોમાં ખૂબ લોકપ્રિય હતી. એ વખતે અરુણ ગોવિલે રામ ભગવાનની ભૂમિકા ભજવી હતી તો દીપિકા ચિખલિયાએ સીતાની અને દારા સિંહે તેમના પરમ ભક્ત હનુમાનની ભૂમિકા ભજવી હતી. પ્રેમ સાગર નવી ‘રામાયણ’ સિરિયલમાં રામની ભૂમિકા માટે કલાકારની શોધ કરી રહ્યો છે. આ સિરિયલ દૂરદર્શન પર દેખાડવામાં આવશે. પિતા રામાનંદ સાગરે બનાવેલી ‘રામાયણ’ કરતાં અલગ ‘રામાયણ’ બનાવવાની ઇચ્છા પ્રેમ સાગરની છે. તે પોતાના દૃષ્ટિકોણથી આ સિરિયલ બનાવવાનો છે. એ વિશે પ્રેમ સાગરે કહ્યું કે ‘હું જે ‘રામાયણ’ બનાવીશ એ પાપાજીએ બનાવેલી ‘રામાયણ’ જેવી નથી. એ તો કોઈ બનાવી પણ ન શકે. એ આઇકૉનિક છે. જો એવી બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે તો એ મૂર્ખામી ગણાય. વાલ્મીકિ, તુલસી અને રામાનંદ સાગરની ‘રામાયણ’ની જેમ એ ક્લાસિક છે. એને ન બનાવી શકાય. જોકે અમે અલગ પ્રકારનો વિષય લઈને આવીશું. તમે સીતાના દૃષ્ટિકોણથી ‘રામાયણ’ બનાવી શકો છો. હનુમાનના દૃષ્ટિકોણથી પણ ‘રામાયણ’ બનાવી શકો છો. સાથે જ રામના મોટા ભક્ત કાકભુશંડીના દૃષ્ટિકોણથી પણ ‘રામાયણ’ બનાવી શકો છો. એથી અમે એવું જ કંઈક બનાવવાનું વિચારી રહ્યા છીએ. હાલમાં તો અમે રામના પાત્ર માટે કલાકારની શોધ કરી રહ્યા છીએ. અરુણ ગોવિલ રામનું પાત્ર ભજવી ચૂક્યા છે એથી તેમને ફરીથી ન લઈ શકાય. આ સિવાય અમે મ્યુઝિક કમ્પોઝ કરી રહ્યા છીએ. બે ગીતના લિરિક્સ મેં લખી લીધા છે. એનો ટાઇટલ ટ્રૅક મેં રાતે ત્રણ વાગ્યે વિચાર્યો હતો. એ ગીત રામના આદર્શોને દેખાડશે કે તેમણે કેવી રીતે પોતાની ફરજ બજાવી હતી. તેમના તમામ ગુણો પર પણ પ્રકાશ પાડવામાં આવશે.’

