હંસલ મહેતાની મલ્ટિ સીઝન સિરીઝ ‘મહાત્મા ગાંધી’નું શૂટિંગ તે શરૂ કરવાનો છે.
મહાત્મા ગાંધી અને જ્યોતિરાવ ફુલેનું પાત્ર ભજવવાની તક મળવાથી પોતાને નસીબદાર માને છે પ્રતીક ગાંધી
પ્રતીક ગાંધીનું માનવું છે કે તેને મહાત્મા ગાંધી અને જ્યોતિરાવ ફુલેનું પાત્ર ભજવવાની તક મળી છે એથી તે પોતાને નસીબદાર માને છે. હંસલ મહેતાની મલ્ટિ સીઝન સિરીઝ ‘મહાત્મા ગાંધી’નું શૂટિંગ તે શરૂ કરવાનો છે. પોતાને આ પાત્રો સાકાર કરવાની તક મળતાં પ્રતીકે કહ્યું કે ‘કલ્પના કરો કે કેટલી ખુશી થતી હશે. આ તકો મળી છે એ વિચારમાત્રથી જ મને આનંદ થાય છે. એક ઍક્ટર તરીકે અમને એક જ લાઇફમાં અનેક પાત્રો જીવવાની તક મળે છે એથી અમે નસીબદાર છીએ. આ બધાં કૅરૅક્ટર્સ મને મળતાં મારી ખુશીની કોઈ સીમા નથી અને એક ઍક્ટર તરીકે હું એને જીવવાનો છું.’
સાથે જ તે સમાજસેવક મહાત્મા ફુલેનું પાત્ર ‘ફુલે’ ફિલ્મમાં ભજવવાનો છે. એમાં મહાત્મા ફુલેની વાઇફ સાવિત્રીબાઈ ફુલેના રોલમાં પત્રલેખા દેખાવાની છે. મહાત્મા ફુલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈએ સમાજમાં ફેલાયેલાં દૂષણોને સમાપ્ત કરવા માટે એક પહેલ ચલાવી હતી. સાવિત્રીબાઈએ કન્યા શિક્ષણ પર ભાર મૂક્યો હતો. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવશે. ત્રીજી જાન્યુઆરીએ સાવિત્રીબાઈની ૧૯૨મી બર્થ-ઍનિવર્સરી હતી. એ નિમિત્તે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રતીક ગાંધીએ કૅપ્શન આપી હતી, ‘એક સશક્ત સ્ત્રી સભ્ય સમાજનું નિર્માણ કરી શકે છે. એથી તમને પણ શિક્ષણનો અધિકાર મળવો જોઈએ. ક્યાં સુધી તમે ગુલામીમાં બંધાઈને રહેશો? - સાવિત્રીબાઈ ફુલે. દેશની પ્રથમ મહિલા ટીચર સાવિત્રીબાઈ ફુલેની જયંતી નિમિત્તે તેમને કોટી કોટી નમન. અમારી આગામી ફિલ્મમાં મને મહાત્મા જ્યોતિબા ફુલેનું પાત્ર ભજવવાની તક મળતાં હું સન્માન અનુભવી રહ્યો છું.’