Pratik Gandhi on `Phule` film controversy: પ્રતીક ગાંધીએ તેની આગામી ફિલ્મ `ફુલે`ને લઈને થઈ રહેલા વિવાદ પર નિવેદન આપ્યું છે. કહ્યું કે, "મારી માત્ર વિનંતી છે કે લોકો આખી ફિલ્મ જોઈને જ ફિલ્મ માટે પોતાનો મત બનાવે." ફિલ્મ હવે 25 એપ્રિલના રિલીઝ થશે.
`ફુલે` ફિલ્મનું પોસ્ટર
બૉલિવડ અભિનેતા પ્રતીક ગાંધીએ તેની આગામી ફિલ્મ `ફુલે`ને લઈને થઈ રહેલા વિવાદ પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ફિલ્મની રિલીઝ હવે 11 એપ્રિલના બદલે 25 એપ્રિલે થશે અને આ વાતથી તેને નિરાશા થઈ છે કારકે 11 એપ્રિલે જ્યોતિરાવ ફુલેની 197મી જન્મજયંતી હતી. ફિલ્મ હવે 25 એપ્રિલના રોજ રિલીઝ થશે.
પ્રતીક ગાંધી ફિલ્મમાં જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલેની ભૂમિકા ભજવી રહ્યા છે. તેણે પીટીઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે, “હું ક્યાંક શૂટિંગમાં હતો ત્યારે મને ખબર પડી કે ફિલ્મની રિલીઝ હવે બે અઠવાડિયા પાછળ ઠેલાઈ ગઈ છે. પહેલો રિએક્શન નિરાશાજનક હતો. પણ પછી જયારે મેં નિર્માતાઓ સાથે વાત કરી, ત્યારે જાણાયું કે આ એવા કારણો છે, જેના પર તમારું કોઈ નિયંત્રણ નથી.” પ્રતીકે કહ્યું કે ફિલ્મની વાસ્તવિક રિલીઝ તારીખ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે તે જ્યોતિરાવ ફુલેની જન્મજયંતિ હતી. “જો ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થાત, તો તે ઈતિહાસનો હિસ્સો બની જાત. પરંતુ જે થાય તે સારા માટે જ થાય છે,” તેણે ઉમેર્યું.
ADVERTISEMENT
ફિલ્મ ‘ફુલે’નું ટ્રેલર 10 એપ્રિલે રિલીઝ થયું હતું, જે બાદ બ્રાહ્મણ સમુદાયના કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું છે કે ફિલ્મમાં તેમના સમુદાયને ખોટી રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મને 7 એપ્રિલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી `U` સર્ટિફિકેટ મળ્યું હતું, પણ તેની સાથે જ કેટલીક ટિપ્પણીઓ અને ફેરફાર કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જેમાં `મંગ`, `મહાર`, `પેશવાઈ` જેવા શબ્દો દૂર કરવાના અને `3000 વર્ષ જૂની ગુલામી`ના બદલે `ઘણા વર્ષ જૂની ગુલામી` લખવાનો સમાવેશ થાય છે. નિર્માતાઓએ આ ફેરફારો સ્વીકારી લીધા છે. પ્રતીકે કહ્યું કે, “ફિલ્મમાં કેટલીક વાતોને થોડી સરળ રીતે રજૂ કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ ફિલ્મના મેસેજ કે મૂળ વાર્તાને હાનિ કર્યા વિના બધા સુધારા કરવામાં આવ્યા છે.”
ઉપરાંત, તેણે અપીલ કરી કે લોકો માત્ર ટ્રેલર જોઈને પોતાનો મત ન બનાવે. “મને આશ્ચર્ય થયું, પણ હું સમજી શકું છું કે લોકો કેમ આવી રીતે રિએક્ટ કરે છે. મારી માત્ર વિનંતી છે કે લોકો આખી ફિલ્મ જોઈને જ ફિલ્મ માટે પોતાનો મત બનાવે, કેમ કે ટ્રેલરમાં જે દેખાયું છે તે કોન્ટેક્સટ વગરનું છે,” એમ તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું. ફિલ્મના દિગ્દર્શક અનંત મહાદેવને કહ્યું હતું કે આ વિવાદ બિનજરૂરી છે અને CBFC તરફથી સૂચિત તમામ સુધારા પહેલા જ અપનાવી લેવાયા છે. તેણે કહ્યું કે વિવાદ ટાળવા માટે જ ફિલ્મની રિલીઝ પાછળ ઠેલવવામાં આવી છે.
ફિલ્મ ‘ફુલે’માં પત્રલેખા સાવિત્રીબાઈ ફુલેની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ ડાન્સિંગ શિવા ફિલ્મ્સ અને કિંગ્સમેન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત છે અને ઝી સ્ટુડિયો દ્વારા રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની રિલીઝ તારીખ હવે 25 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.

