પ્રતીક બબ્બરે તેની મમ્મી સ્મિતા પાટીલની સરનેમનો તેના નામમાં ઉમેરો કર્યો છે. સ્મિતા પાટીલને બે નૅશનલ અવૉર્ડ અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.
પ્રતી ક બબ્બર
પ્રતીક બબ્બરે તેની મમ્મી સ્મિતા પાટીલની સરનેમનો તેના નામમાં ઉમેરો કર્યો છે. સ્મિતા પાટીલને બે નૅશનલ અવૉર્ડ અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. હિન્દી ફિલ્મ જગતનાં તેઓ ઉમદા ઍક્ટ્રેસમાંનાં એક હતાં. તેમણે રાજ બબ્બર સાથે લગ્ન કર્યાં હતા. તેમનું ખૂબ નાની વયે એટલે કે ૩૧ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમની ફિલ્મોની વાત કરીએ તો ‘આક્રોશ’, ‘મિર્ચ મસાલા’, ‘શક્તિ’, ‘નમક હલાલ’, ‘આખિર ક્યોં’ અને ‘વારિસ’ તેમની યાદગાર ફિલ્મોમાંની છે. મમ્મીને યાદ કરતાં પ્રતીક ખૂબ ઇમોશનલ થયો છે. તેમની સરનેમનો ઉમેરો કરવા વિશે પ્રતીક બબ્બરે કહ્યું કે ‘મારા પિતા અને પરિવારની સાથે મારા ગ્રૅન્ડ પેરન્ટ્સ અને મારી સ્વર્ગીય મમ્મીના આશીર્વાદથી મેં નક્કી કર્યું છે કે મારા નામમાં મારી મમ્મીની સરનેમનો ઉમેરો કરીશ. એથી હવે મારું નવું સ્ક્રીન નામ ‘પ્રતીક પાટીલ બબ્બર’ રહેશે. મારું આ નામ જ્યારે પણ સ્ક્રીન પર દેખાશે તો મારા માટે એ ઇમોશનલ ક્ષણ રહેશે. મારી એવી ઇચ્છા છે કે લોકોને અને દર્શકોને તેમના અસાધારણ અને ઉલ્લેખનીય વારસાની પ્રતિભા અને મહાનતાની યાદ અપાવે. મારી મમ્મી મારા દરેક પ્રયાસનો ભાગ રહેશે, જેમાં હું મારી એનર્જી લગાવું છું. મારા નામમાં તેમના નામનો ઉમેરો તેમની સાથે જોડાયેલી મારી લાગણીને મજબૂત કરશે. અમારાથી દૂર ગયાને તેમને આ વર્ષે ૩૭ વર્ષ થશે. જોકે હજી સુધી અમે તેમને ભૂલ્યા નથી. મારા નામ દ્વારા સ્મિતા પાટીલ હંમેશાં જીવંત રહેશે.’

