નવા પોસ્ટરમાં જનોઈ ન હોવાથી દાખલ થયો એફઆઇઆર
‘આદિપુરુષ’
પ્રભાસ અને ક્રિતી સૅનનની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ના નવા પોસ્ટરને લઈને એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૧૬ જૂને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં સૈફ અલી ખાન અને સની સિંહ પણ જોવા મળશે. રામચરિત માનસમાં દર્શાવવામાં આવેલા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના જીવનને આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. રામનવમીના દિવસે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. એને જોતાં સંજય દીનાનાથ તિવારીએ મુંબઈ હાઈ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. તે પોતાને સનાતન ધર્મનો ઉપદેશક જણાવે છે. તેનું માનવું છે કે પોસ્ટરમાં પ્રભાસના પાત્ર ભગવાન શ્રીરામના કૉસ્ચ્યુમ હિન્દુ શાસ્ત્રમાં જે પ્રકારે વર્ણવવામાં આવ્યા છે એના કરતાં અલગ છે. સાથે જ એમાં જનોઈ પણ નથી ધારણ કરેલી, જેને સદીઓથી સનાતન ધર્મમાં અનુસરવામાં આવી છે. આ જ કારણ છે કે તેણે ફરિયાદ કરી છે.