ભારતમાં આ ફિલ્મ ૧૬ જૂને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે
ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ‘આદિપુરુષ’નું વર્લ્ડ પ્રીમિયર
પ્રભાસ અને ક્રિતી સૅનનની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’નું વર્લ્ડ પ્રીમિયર ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનું છે. ન્યુ યૉર્કમાં આ ફેસ્ટિવલ ૭ જૂનથી ૧૮ જૂન સુધી થવાનો છે. ૧૩ જૂને એનું પ્રીમિયર થયા બાદ ભારતમાં આ ફિલ્મ ૧૬ જૂને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ભગવાન રામના રોલમાં પ્રભાસ જોવા મળવાનો છે. ફિલ્મના વર્લ્ડ પ્રીમિયરને લઈને પ્રભાસે કહ્યું કે ‘હું આદર અનુભવી રહ્યો છું કે ‘આદિપુરુષ’નું વર્લ્ડ પ્રીમિયર ન્યુ યૉર્કમાં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનું છે. મને એ વાતનું અભિમાન થઈ રહ્યું છે કે હું આપણા દેશના મહાન ચરિત્રને સાકાર કરતા પ્રોજેક્ટમાં જોડાયો છું. આપણી ભારતીય ફિલ્મો ખાસ કરીને ‘આદિપુરુષ’ જે મારા દિલની ખૂબ નજીક છે એ વિશ્વસ્તરે દેખાડવામાં આવશે. એથી એક ઍક્ટર તરીકે અને એક ભારતીય તરીકે મને ગર્વ થઈ રહ્યો છે.’
આ ફિલ્મમાં સીતાની ભૂમિકા ક્રિતી ભજવશે અને લક્ષ્મણની ભૂમિકામાં સની સિંહ દેખાશે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મ વિશે ઓમ રાઉતે કહ્યું કે ‘‘આદિપુરુષ’ એક ફિલ્મ નથી, પરંતુ લાગણી છે. આ અમારી સ્ટોરીનો દૃષ્ટિકોણ છે કે જે ભારતના ઉત્સાહને દેખાડે છે. મને જ્યારે જાણ થઈ કે ‘આદિપુરુષ’ને વિશ્વના આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલના સન્માનિત જ્યુરીએ સિલેક્ટ કરી છે કે જ્યાં હું એક સ્ટુડન્ટ તરીકે જવાની ઇચ્છા રાખતો હતો તો એ મારા માટે અને ટીમ માટે અદ્ભુત ક્ષણ હતી. આ વર્લ્ડ પ્રીમિયરમાં લોકોનાં રીઍક્શન જાણવા માટે અમે ઉત્સુક છીએ.’