‘રામાયણ’ને પહેલી વાર કોઈએ ડાર્ક ટોનમાં બનાવી છે અને એથી ફિલ્મ શરૂઆતથી જ ખૂંચે છે : ડાયલૉગને મૉડર્ન ટચ આપવામાં સન્માનનો ટચ ગાયબ છે અને દરેક ઍક્ટરનો પર્ફોર્મન્સ હાસ્યાસ્પદ લાગે છે
આદિપુરુષ ફિલ્મ
આદિપુરુષ
કાસ્ટ : પ્રભાસ, સૈફ અલી ખાન, ક્રિતી સૅનન
ડિરેક્ટર : ઓમ રાઉત
ADVERTISEMENT
પ્રભાસ, સૈફ અલી ખાન, ક્રિતી સૅનનની ‘આદિપુરુષ’ ગઈ કાલે રિલીઝ થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના રાજમાં શ્રીરામ અને હનુમાનને લઈને ખૂબ જ રાજનીતિ કરવામાં આવે છે એથી આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કરોડોનો વરસાદ કરશે એવી આશા સ્વયં (સૉરી, આવા મોટા-મોટા શબ્દનો ઉપયોગ કરવા બદલ, કારણ કે ‘આદિપુરુષ’માં આવા સન્માનજનક એક પણ શબ્દનો ઉપયોગ કરવામા નથી આવ્યો.) રાખી રહ્યો હતો. જોકે આ ફિલ્મને જોતાં ૫૦૦ કરોડ રૂપિયાનું જે બજેટ છે એ પણ રિકવર કરે તો ભયો-ભયો.
સ્ટોરી ટાઇમ
રામાયણની સ્ટોરી દરેકને ખબર જ હશે, એમાં કહેવા જેવું નથી. જોકે ૫૦૦ કરોડના બજેટમાં એ સ્ટોરી કહેવામાં આવે અને એ પણ પ્રભાસ અને સૈફ જેવા ઍક્ટર્સને લઈને ફિલ્મ બનાવવામાં આવે ત્યારે એ ફિલ્મ તો જોવી રહી. જોકે આ ફિલ્મમાં સ્ટોરી ડાયરેક્ટ વનવાસથી શરૂ થાય છે. રામ તેની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસમાં હોય છે. બહુ જલદી શૂર્પણખા આવી રામને લગ્ન કરવા માટે ફોર્સ કરે છે. જોકે મર્યાદાપુરુષોત્તમનો જવાબ શું હતો એ સૌને ખબર છે, પરંતુ ફિલ્મમાં અહીંથી મેઇન સ્ટોરી શરૂ થાય છે. ત્યાર બાદ રાવણ એટલે કે સૈફ અલી ખાન ડીટોર લઈને સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમ પાસે જઈને સીતાને કિડનૅપ કરવા માટે આવ્યો હોય એવું લાગે છે. રાવણ સીતા એટલે કે જાનકી એટલે કે ક્રિતી સૅનનનું અપહરણ કરે છે અને રામ તેને શોધવા માટે નીકળે છે. ત્યાર બાદ અધર્મ પર ધર્મની જીત થાય એ માટેની સ્ટોરી આગળ વધે છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
‘રામાયણ’ ખૂબ જ ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર હોવાની સાથે એકદમ સિમ્પલ સ્ટોરી છે. એક પતિ તેની પત્નીને શોધવા નીકળે છે. જોકે આ એક સિમ્પલ સ્ટોરીમાં ઘણાં ઇમોશન્સ, ઘણા મેસેજ એટલે કે એક પુરુષે કેવી રીતે મર્યાદામાં રહેવું જોઈએ, કેવી રીતે જીવન જીવવું જોઈએ, કેવી રીતે પોતાના મનને કાબૂમાં રાખવું જોઈએ, કેવી રીતે અન્ય સાથે વ્યવહાર કરવો જોઈએ, કદાચ તો કેવી રીતે ફિલ્મ બનાવવી જોઈએ એ પણ વાલ્મીકિના સ્ક્રીનપ્લે પરથી શીખી શકાય. જોકે અહીંથી આ દરેક વસ્તુ ગાયબ છે. ફિલ્મમાં મર્યાદાને લગતા, ક્રોધને લગતા અને હંમેશાં ચહેરા પર સ્મિત અને એકદમ શાંત સ્વભાવના હોવા છતાં સૌથી ગુસ્સામાં રહેતા તેના ભાઈને કેવી રીતે શાંત કરતા એ દરેક વાત અહીં મિસિંગ છે. બે ભાઈની સ્ટોરી, રામ-હનુમાનની સ્ટોરી, પતિ-પત્નીની, રસ્તામાં થતા અધર્મને જોતાં હંમેશાં સત્યને પસંદ કરવાની સ્ટોરી જેવી દરેક બાબત મિસિંગ છે અને ફક્ત હીરો (રાઘવ) અને વિલન (રાવણ) પર ફોકસ આપવામાં આવ્યું છે. સમજી શકાય કે ત્રણ કલાકની ફિલ્મમાં કેટલું દેખાડી શકાય, પરંતુ જે ડીટેલ્સ હોય એને મિસ કરવી એ ફિલ્મમાં ખામી જ કહેવાય. ફિલ્મની સ્ક્રિપ્ટને ફક્ત હીરો-વિલનને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે અને એથી જ એમાં ઇમોશન્સની અછત છે. ફિલ્મના દરેક ડાયલૉગ આજની જનરેશન પ્રમાણે બનાવવાની કોશિશ કરવામાં આવી છે પરંતુ એ ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે. ‘રામાયણ’ પરથી ફિલ્મ બનતી હોય તો એના ડાયલૉગ સંસ્કૃતમાં હોવા જરૂરી નથી, પરંતુ મર્યાદાપુરુષોત્તમની ગરિમા જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે. આ ફિલ્મને ઓમ રાઉત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મના ડિરેક્શનમાં શરૂઆતથી લઈને અંત સુધી રાઘવ અને રાવણ પર જ ફોકસ હતું. આ કારણસર ડિરેક્ટર સાહેબ હનુમાનની ભવ્યતાને દેખાડવામાં પણ નિષ્ફળ રહ્યા છે. તેમ જ લક્ષ્મણનો ગુસ્સાને પણ કૅપ્ચર કરવામાં નથી આવ્યો. ફિલ્મને જોયા બાદ એવું લાગી રહ્યું હતું કે ઓમ રાઉતની આ ‘રામાયણ’માં દરેક વસ્તુ અલગ હોય.
પર્ફોર્મન્સ
રામના પાત્ર માટે પ્રભાસ સૌથી ખોટી ચૉઇસ છે. ચહેરા પર સતત સ્મિત રાખતી વ્યક્તિને ગુસ્સો આવે ત્યારે સમુદ્રને પણ ચીરી નાખવાની ધમકી આપનાર રામનું આ પાત્ર હંમેશાં એક જ સરખા એક્સપ્રેશનમાં જોવા મળે છે. રામચરણના પાત્રમાં ભલે રામ હોય એટલે નહીં, પરંતુ ‘RRR’ના ક્લાઇમૅક્સમાં તેણે જે કામ કર્યું હતું એને જોઈને લાગે છે કે તે આ પાત્રમાં વધુ સારો લાગ્યો હોત. હિન્દીમાં પ્રભાસ દરેક ડાયલૉગ બોલે છે ત્યારે તેની પાસે
મારી-મારીને બોલાવવામાં આવતા હોય એવું લાગે છે. સની સિંહ લક્ષ્મણના પાત્રમાં જોવા મળ્યો છે, પરંતુ તેના પાત્રને જેટલું બકવાસ લખવામાં આવ્યું છે એટલું જ સાઇડલાઇન કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દેવદત્ત નાગેએ હનુમાનનું પાત્ર ભજવ્યું છે. આ એક એવી પહેલી ફિલ્મ છે જેમાં દુનિયાનો સૌથી પાવરફુલ સુપરહીરો કહો કે પછી ભગવાન કે પછી એક માયથોલૉજિકલ કૅરૅક્ટર, પરંતુ એ એટલું પાવરફુલ નથી જેટલું આજ સુધી કહેવામાં કે જોવામાં કે પછી સાંભળવામાં આવ્યું છે. હનુમાન અને લક્ષ્મણ બન્ને ગુસ્સાથી ભરેલા, પરંતુ તેમના નાથ એટલે કે ભગવાન રામના એક ઉદ્દેશથી પોતાને કન્ટ્રોલમાં કરતા હતા. જોકે અહીં એ બધું ગાયબ છે. ક્રિતી સૅનને જાનકીનું પાત્ર ભજવ્યું છે, પરંતુ તેની પાસે પણ કરવા માટે કંઈ ખાસ નહોતું. તેને સુંદર જરૂર દેખાડવામાં આવી છે, પરંતુ તેની પાસે કરવા માટે આ ફિલ્મમાં કંઈ ખાસ નહોતું. સૈફ અલી ખાન રાવણ બન્યો છે. ઘણા લોકોને તેની હસવાની સ્ટાઇલ વિચિત્ર લાગી હશે, પરંતુ એના કરતાં પણ વિચિત્ર તેની ચાલવાની સ્ટાઇલ હતી. તે વધુપડતું આગળની સાઇડ ઝૂકીને ચાલતો હતો. તેનું આ રીતે ચાલવાનું કારણ સમજની બહાર છે. પતંગમાં એક બાજુ નમે નહીં એ માટે જે રીતે બાંધે છે અથવા તો કારમાં અલાઇનમેન્ટ કરાવે છે એવું કરાવવું જરૂરી હતું. રાવણ જ નહીં, પ્રભાસ પણ ઘણી જગ્યાએ આગળની સાઇડ ઝૂકીને ચાલતો જોવા મળ્યો છે. તેમ જ દોડવાની જે સ્ટાઇલ છે એ ખરેખર હાસ્યાસ્પદ લાગે છે અને તેમને એક જ જગ્યા પર દોડાવ્યા હોય અને સીજીઆઇનો ઉપયોગ કર્યો હોય એ દેખાઈ આવે છે. ૫૦૦ કરોડની ફિલ્મ હતી કમ સે કમ ડિરેક્ટર સાહેબ દોડવાનું તો ઓરિજિનલ દેખાડી શક્યા હોત. આ ફિલ્મમાં વત્સલ શેઠે રાવણના દીકરા ઇન્દ્રજિતનું પાત્ર ભજવ્યું છે. તે મેઘનાદ તરીકે પણ જાણીતો હતો અને તે ખૂબ જ માયાવી હતો. તેણે સારું કામ કર્યું છે, પરંતુ તે ઘણી જગ્યાએ રિતેશ દેશમુખ વધુ લાગતો હતો. તેનો લુક એવો હતો કે એના કારણે તે ઇન્દ્રજિત કરતાં રિતેશ વધુ લાગતો હતો.
માઇનસ પૉઇન્ટ
ફિલ્મ શરૂઆતથી લઈને અંત સુધી ખામીઓથી ભરેલી છે. જોકે સૌથી મોટી ખામી ફિલ્મનો ડાર્ક ટોન છે. ફિલ્મ ખૂબ જ ડાર્ક છે અને ‘રામાયણ’ ક્યારેય ડાર્ક નથી રહ્યું. એને કોઈ પણ ભાષામાં કોઈ પણ ઍન્ગલ અથવા તો કોઈ પણ રીતે બનાવવામાં આવે; એનો ઉદ્દેશ અધર્મ સામે ધર્મની જીત, સત્યનો રસ્તો અને મિત્રતા માટે ખોટું કરવું પડે તો પણ કરવું એ જ નીકળે છે અને એમાં ક્યારેય ડાર્ક થીમ નથી. ટ્રેલર બાદ ઘણા લોકોએ એવું કહ્યું હતું કે ફિલ્મમાં રાતે પણ યુદ્ધ દેખાડવામાં આવ્યું છે, જ્યારે સૂર્યાસ્ત થયા બાદ ગરદન પર તલવાર રાખી હોય તો પણ ત્યારે એને મારવામાં નહોતો આવતો. એ વાત સાચી છે અને ફિલ્મમાં પણ સવાર જ દેખાડવામાં આવી છે. જોકે એનો ટોન એટલો ડાર્ક છે કે ક્યારેય દિવસ નથી દેખાતો. અંધકાર પર હંમેશાં રોશનીનો વિજય થાય છે, પરંતુ ઓમ રાઉતની ફિલ્મમાં નથી થતું. આ ડાર્ક ટોન ફિલ્મનો સૌથી મોટો દુશ્મન છે. ત્યાર બાદ બીજો દુશ્મન કંગાળ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ છે. દરેક વસ્તુ ગ્રીન સ્ક્રીન સામે કરવામાં આવી છે એ ખબર પડી જાય છે. તેમ જ રાવણ જે રીતે રુદ્રાક્ષને તોડે છે એ પણ માનવામાં નથી આવતું; કારણ કે શિવજીનો સૌથી મોટો ભક્ત, અગણિત વસ્તુઓમાં માહેર, સૌથી બુદ્ધિમાન એવો રાવણ ક્યારેય રુદ્રાક્ષનું અપમાન નહીં કરે. તેમ જ ગમે એટલું મૉડર્ન કેમ ન હોય, ‘રામાયણ’ની વાત હોય ત્યારે હંમેશાં કોણ કયા હથિયારથી લડે છે અને કયા બાણનો ઉપયોગ કરે છે એ હંમેશાં કહેવામાં આવ્યું છે. રાવણની વાતમાં એનો કોઈ ઉલ્લેખ નથી. રાવણ જે પુષ્પક વિમાનનો ઉપયોગ કરતો જેને તેણે તેના ભાઈ કુબેર પાસેથી લઈ લીધું હતું એની જગ્યા પર તે અહીં ચામચીડિયાનો ઉપયોગ કરે છે. ચામચીડિયું ખૂબ જ મોટું હોય છે અને એ ડ્રૅગન વધુ લાગે છે. જોકે કયું ચામાચીડિયું દિવસના પણ ઊડે છે એ ઓમ રાઉત કદાચ ભૂલી ગયો હોય એવું લાગે છે. બની શકે કે ચામાચીડિયાને દેખાડવા માટે તેણે ખાસ ફિલ્મનો ટોન ડાર્ક રાખ્યો હોય. જોકે અહીં ટોન અને ચામાચીડિયું સૌથી મોટા માઇનસ પૉઇન્ટ છે. ઇન્દ્રજિત કરતાં પણ કુંભકર્ણને ફક્ત નામ પૂરતો દેખાડવામાં આવ્યો છે. આ સાથે જ રાવણની સોનાની લંકા પણ ફિલ્મમાંથી ગાયબ છે.
મ્યુઝિક
ફિલ્મમાં ફક્ત એક જ વસ્તુ સારી છે અને એ છે અજય-અતુલનું મ્યુઝિક. જય શ્રી રામ ગીત જ્યારે આવે છે ત્યારે એક અલગ જ માહોલ બને છે, પરંતુ ડાર્ક ટોન આ ગીતને પણ દબાવી દે છે. બૅકગ્રાઉન્ડ સ્ટોર ખૂબ જ સારો છે અને એને કારણે થોડી ઘણી ફિલ્મ જોવાની હિમ્મત આવે છે.
આખરી સલામ
‘રામાયણ’ને જ્યાં સુધી ડીટેલ અને પૂરતા રિસર્ચ અને સંપૂર્ણ રીતે ઓતપ્રોત થઈને બનાવવામાં ન આવે ત્યાં સુધી એનું બેસ્ટ વર્ઝન નહીં બની શકે. સ્ટાર પાવરને જ્યાં સુધી મહત્ત્વ આપવામાં આવે ત્યાં સુધી ‘રામાયણ’ બનવું મુશ્કેલ નહીં, નામુમકિન છે. સારું છે ફિલ્મનું નામ ‘રામાયણ’ નહીં, પરંતુ ‘આદિપુરુષ’ રાખવામાં આવ્યું છે. નિતેશ તિવારી પણ હવે ‘રામાયણ’ બનાવવાના છે એવી ચર્ચા છે. તેઓ પણ ડાર્ક થીમ ન રાખે કે પછી ઓમ રાઉત જેવી ભૂલ ન કરે એ જોવું રહ્યું.
ફાલતુ, ઠીક-ઠીક,
ટાઇમ પાસ,
પૈસા વસૂલ,
બહુ જ ફાઇન