મુંબઈની અમારી ફ્લાઇટમાં વિપુલ નકાશેએ અમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. તે ખરેખર અભિમાની, અસભ્ય છે અને તેણે કારણ વગર અમારી સાથે ધમકીભર્યા અવાજમાં વાત કરી હતી.
ઇન્ડિગો ઍરલાઇન્સના ખરાબ વર્તનથી ગુસ્સે થઈ પૂજા હેગડે
પૂજા હેગડેએ ઇન્ડિગો ઍરલાઇન્સના સ્ટાફ પર ખરાબ વર્તન કરવાનો આરોપ મૂક્યો છે. તેનું કહેવું છે કે કારણ વગર સ્ટાફે તેની સાથે ધમકાવવાના અવાજમાં વાત કરી હતી. આ ઘટનાને તેણે ટ્વિટર પર શૅર કરી હતી. તે મુંબઈથી ટ્રાવેલ કરી રહી હતી ત્યારે તેની સાથે અપમાનભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને ટ્વિટર પર શૅર કરીને પૂજાએ ટ્વીટ કર્યું હતું, ‘ઇન્ડિગો ઍરલાઇન્સના સ્ટાફ મેમ્બર કેટલા બદતમીઝ છે એ જાણીને ખૂબ દુ:ખ થયું છે. મુંબઈની અમારી ફ્લાઇટમાં વિપુલ નકાશેએ અમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. તે ખરેખર અભિમાની, અસભ્ય છે અને તેણે કારણ વગર અમારી સાથે ધમકીભર્યા અવાજમાં વાત કરી હતી. સામાન્ય રીતે હું આવી બાબતોને ટ્વીટ નથી કરતી, પરંતુ આ ખૂબ જ ભયાનક હતું.’
પૂજાના આ ટ્વીટ બાદ ઍરલાઇન સજાગ થઈ અને તેમણે આ વિષયમાં ધ્યાન આપવાની બાંહેધરી આપી હતી. એ વિશે ઍરલાઇને કહ્યું કે ‘મિસ હેગડે અમારી સાથે વાત કરવા માટે સમય કાઢ્યો એ બદલ આભાર. તમને થયેલી અસુવિધા માટે માફી માગીએ છીએ. તમને અમે ખાતરી આપવા માગીએ છીએ કે અમે આ દિશામાં ધ્યાન દોરીશું અને એનું પુનરાવર્તન ન થાય એ માટે પણ ધ્યાન આપીશું.’
ઍરલાઇનનું માફીનામું સ્વીકાર્યા બાદ પૂજાએ ટ્વીટ કર્યું હતું, ‘માફી બદલ આભાર, પરંતુ પ્રામાણિકપણે તો પહેલાં તમારે મારા કૉસ્ચ્યુમ અસિસ્ટન્ટની માફી માગવી જોઈએ, કેમ કે તેની સાથે પક્ષપાત કરવામાં આવ્યો હતો અને બાદમાં અમારી માફી માગવી જોઈએ. દરેકની સાથે પછી તે ક્યાંથી આવે છે એના પર ધ્યાન ન આપતાં સન્માનપૂર્વક વર્તન કરવું જોઈએ. વાત કરવાની પણ રીતભાત હોય છે. પર્સને તમે હૅન્ડ લગેજ તરીકે ન ગણી શકો. સાથે જ વગર કારણે તમે કોઈને પણ તમારો પાવર ન દેખાડી શકો. આ ટ્વીટનો ઉદ્દેશ એ છે કે કોઈ પોતાની તાકાતનો દુરુપયોગ ન કરે. દરેકની સાથે સમાનતાથી વર્તન કરવામાં આવે.’