નરેન્દ્ર મોદીએ બીજેપીના કાર્યકરોને આપી સલાહ
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપીના કાર્યકર્તાઓને સલાહ આપી છે કે ફિલ્મોને લઈને બિનજરૂરી કમેન્ટ ન કરવી. નૅશનલ એક્ઝિક્યુટિવ મીટિંગ દરમ્યાન તેમણે કાર્યકર્તાઓને જણાવ્યું છે કે સમાજના દરેક વર્ગના લોકો માટે કામ કરવામાં આવે. સાથે જ ફિલ્મોને લઈને પણ કોઈ કમેન્ટ ન કરવામાં આવે એવી તેમણે સલાહ આપી છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ને લઈને ખાસ્સો વિવાદ ચગ્યો છે. એના ‘બેશરમ રંગ’ ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલી કેસરી બિકિનીને કારણે કેટલાંક સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. બીજેપીના રામ કદમ અને નરોત્તમ મિશ્રાએ આ ફિલ્મના ગીતને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. તેમના મુજબ એનાથી હિન્દુ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ જ કારણ છે કે પીએમ નરેન્દ્ર મોદીએ આવી સલાહ આપી છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની
ખોટી કમેન્ટ કરવામાં આવે તો એનાથી પાર્ટી દ્વારા જે સારાં કામ કરવામાં આવે છે એ સાઇડલાઇન થઈ જાય છે.