બે ભાઈ વચ્ચેનું કનેક્શન હોય કે પછી વૉરની ઍક્શન હોય, બન્ને ફિલ્મમાંથી ગાયબ છે : એક સારી સ્ટોરીને કંગાળ એક્ઝિક્યુશન દ્વારા વેસ્ટ કરી નાખવામાં આવી છે
પિપ્પા
ફિલ્મ: પિપ્પા
કાસ્ટ: ઈશાન ખટ્ટર, મૃણાલ ઠાકુર, પ્રિયાંશુ પેન્યુલી, સોની રાઝદાન
ADVERTISEMENT
ડિરેક્ટર: રાજા ક્રિષ્ના મેનન
રેટિંગ: ૨ સ્ટાર (ઠીક-ઠીક)
ઈશાન ખટ્ટર, પ્રિયાંશુ પેન્યુલી અને મૃણાલ ઠાકુરની ‘પિપ્પા’ને ગઈ કાલે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને ‘ઍરલિફ્ટ’ના ડિરેક્ટર રાજા ક્રિષ્ના મેનન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. રૉની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રૉય કપૂર દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે.
સ્ટોરી ટાઇમ
ફિલ્મની સ્ટોરી ૧૯૭૧ની ઇન્ડો-પાકિસ્તાન વૉર એટલે કે બૅટલ ઑફ ગરીબપુરની છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા દરમ્યાન પાકિસ્તાન બે પાર્ટમાં વહેંચાયું હતું. પાકિસ્તાન દ્વારા ઈસ્ટ પાકિસ્તાનને ખૂબ જ હેરાન કરવામાં આવતું હતું. ત્યાંના નિર્દોષ લોકોને મારી નાખવામાં આવતા હતા. એક કરોડથી વધુ લોકો ભારતમાં રેફ્યુજી તરીકે આવ્યા હતા. આ દરમ્યાન ભારતે ઈસ્ટ પાકિસ્તાનને પાકિસ્તાનથી આઝાદ કરવાનું નક્કી કર્યું. ભારત એવો પહેલો દેશ બન્યો હતો જેણે અન્ય દેશને આઝાદ કરવા માટે યુદ્ધ કર્યું હોય. આ યુદ્ધ બાદ ઈસ્ટ પાકિસ્તાનની જગ્યાએ બંગલાદેશનો જન્મ થયો હતો. આ યુદ્ધમાં ભારતની પહેલી પાણીમાં પણ તરી શકે એવી ટૅન્ક PT-76નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટૅન્કે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું નામ આ ટૅન્ક પરથી જ રાખવામાં આવ્યું છે. ટૅન્ક પ્રત્યે કૅપ્ટન બલરામ સિંહ મેહતાનો જે પ્રેમ હતો એને પણ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે. આ પાત્ર ઈશાન ખટ્ટરે ભજવ્યું છે. બલરામ સિંહના પિતા ઇન્ડિયા માટે શહીદ થયા હતા. તેમનાં બે દીકરા અને એક દીકરી હોય છે. મોટા દીકરાનું નામ મેજર રામ મેહતા હોય છે. તે એક વૉર હીરો હોય છે અને એકદમ પર્ફેક્ટ હોય છે. આ પાત્ર પ્રિયાંશુ પેન્યુલીએ ભજવ્યું છે. તે જેટલો સારો હોય છે એટલો જ તેનો નાનો ભાઈ બલ્લી એટલે કે બલરામ એટલે કે ઈશાન હોય છે. બલ્લી તેના ભાઈથી એકદમ વિપરીત હોય છે. તે આર્મીમાં પણ ઑર્ડરનું પાલન નથી કરતો અને એથી એની ઘણી ફરિયાદ કરવામાં આવે છે અને તેને યુદ્ધની જગ્યાએ ઑફિસમાં પણ બેસાડી દેવામાં આવે છે. આ બન્ને ભાઈ એકદમ અલગ હોવાથી તેમનું જરા પણ નથી બનતું. જોકે તેમની વચ્ચે કૉમન તેમની બહેન રાધા એટલે કે મૃણાલ ઠાકુર અને મમ્મી એટલે કે સોની રાઝદાન હોય છે. ફિલ્મની સ્ટોરી યુદ્ધ અને તેમની ફૅમિલીની આસપાસ ફરે છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ ફિલ્મની સ્ક્રિપ્ટને રવીન્દ્ર રંધાવા, તન્મય મોહન અને રાજા ક્રિષ્ના મેનન દ્વારા કૅપ્ટન બલરામ સિંહ મેહતાની બુક ‘ધ બર્નિંગ ચેફી’ પરથી લખવામાં આવી છે. આ ફિલ્મમાં યુદ્ધ અને એક ફૅમિલીની વાત કરવામાં આવી છે. એટલે કે એક પ્લૉટ પર બે સ્ટોરી લાઇન ચાલે છે. જોકે એમાં તેમણે ઘણી કસર છોડી છે. આ ફિલ્મમાં કૅરૅક્ટર વચ્ચે જે ઇમોશનલ કનેક્ટ હોવો જોઈએ એ બિલકુલ નથી અને એને કારણે દર્શકો પણ ફિલ્મ સાથે કનેક્ટ નથી થઈ શકતા. કોઈ પણ ફિલ્મ સાથે કનેક્ટ થવા માટે ઇમોશન ખૂબ જ જરૂરી છે. આ સાથે જ ફિલ્મની ઍક્શન પણ ખાસ નથી. ફિલ્મનો હીરો ઈશાન કરતાં વધુ ટૅન્ક છે અને ટૅન્કનાં દૃશ્યોને ઇન્ટરેસ્ટિંગ બનાવવાં ખૂબ જ જરૂરી હતાં. રાજા ક્રિષ્ના મેનનના ડિરેક્શનમાં ફક્ત ટૅન્ક જોવા મળે છે અને એ સિવાય તેણે અન્ય બાબતો પર ફોકસ કર્યું હોય એવું લાગતું નથી. તેણે ટૅન્કની ફાઇટ સીક્વન્સ પર ખૂબ જ મહેનત કરી છે, પરંતુ એમ છતાં એમાં ખાસ નવીનતા નથી. આ ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ પણ ખૂબ જ કંગાળ છે. ખાસ કરીને જ્યારે લૅન્ડ માઇન્સ ફૂટે છે ત્યારે. આ એક વૉર ફિલ્મ છે અને વૉર ફિલ્મમાં હંમેશાં એક વસ્તુ કૉમન હોય છે કે દૃશ્યોને જોઈને દર્શકોને પણ થવું જોઈએ કે ખૂબ જ નુકસાન થયું હતું અને ઘણા લોકોના જીવ ગયા હતા અને આ યુદ્ધ નહોતું થવું જોઈતું હતું. જોકે અહીં એવું કંઈ નથી. તેમ જ ઘણાં દૃશ્યમાં ઍક્ટર્સ બામ્બુના ઝાડનો શીલ્ડ તરીકે ઉપયોગ કરે છે. જોકે મેકર્સ એ ભૂલી ગયા હોય એવું લાગે છે કે બાબુના ઝાડને બંદૂકની ગોળી આરપાર કરી નાખે છે. આવા તો ઘણા મુદ્દાઓ છે જેને નજરઅંદાજ કરી શકાય. જોકે સૌથી મોટો મુદ્દો બે મુખ્ય પાત્ર રામ અને બલરામ વચ્ચેનું જે કનેક્શન મિસિંગ છે એ છે.
પર્ફોર્મન્સ
ઈશાન ખટ્ટર જ્યારે મસ્તીખોર હોય છે ત્યારે તે ખૂબ જ સારો લાગે છે, પરંતુ તે જ્યારે વૉર ઝોનમાં સિરિયસ મોડમાં હોય છે ત્યારે એટલો ખાસ નથી લાગતો. આ સાથે જ તેની બૉડી લૅન્ગ્વેજ અને મૅનરિઝમમાં પણ એટલો દમ નથી. તેની સામે પ્રિયાંશુએ ખૂબ જ સારું કામ કર્યું છે. તે રિયલ આર્મી ઑફિસર હોય એવું લાગે છે. તે એક સારો ઍક્ટર છે અને તેના પાત્રને વધુ સારી રીતે લખવાની જરૂર હતી. મૃણાલ ઠાકુરને જે પાત્ર આપવામાં આવ્યું હતું એ તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તે એક બહેનની સાથે કમ્યુનિકેશન અને ઍનાલિસિસ વિન્ગમાં કામ કરતી હોય છે. તેણે બન્ને સાઇડને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. જોકે તેના પાત્રને પણ સારી રીતે લખવાની જરૂર હતી. મૃણાલ એક સારી ઍક્ટર છે અને તે શું કામ લિમિટેડ ટાઇમવાળા પાત્ર સિલેક્ટ કરે છે એ સમજમાં નથી આવતું. સોની રાઝદાનને ઇમોશનલ મમ્મીના રૂપમાં દેખાડવામાં આવી છે, પરંતુ તેની પાસે કોઈ ખાસ કામ નથી. તેની પાસે બે કલાકની ફિલ્મમાં ગણીને બે ડાયલૉગ હશે. તેને સંપૂર્ણ રીતે વેસ્ટ કરવામાં આવી છે. આ સાથે જ ઈશાનના સાથી સૈનિકોનું પાત્ર જેમણે ભજવ્યું છે તેમણે પણ ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. જોકે ફિલ્મમાં જેટલા પણ આર્ટિસ્ટ હતા જેમણે આર્મી ઑફિસરનું પાત્ર ભજવ્યું છે એમાંના એક પણ આર્મીની સ્ટાઇલમાં ચાલતા જોવા નહોતા મળ્યા.
મ્યુઝિક
આ ફિલ્મમાં શરૂઆતમાં એક ગીત આવે છે અને ત્યાર બાદ દરેક વસ્તુ બૅકગ્રાઉન્ડમાં જોવા મળે છે. ફિલ્મની એક સારી વાત એ છે કે એમાં રોમૅન્સ કે પછી ગીતને જબરદસ્તીથી ઠૂસવામાં નથી આવ્યાં. એ. આર. રહમાનનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક કેટલીક વાર અસરદાર લાગે છે તો મોટા ભાગે નૉર્મલ હોય છે. ખાસ કરીને ટૅન્ક લઈને વૉરમાં જતાં જે મ્યુઝિક છે એ ખૂબ જ સારું છે.
આખરી સલામ
પંજાબીઓ દ્વારા ટૅન્ક PT-76ને પિપ્પા નામ આપવામાં આવ્યું હોય છે. ઘીનો ડબ્બો જે રીતે પાણીમાં પણ તરે છે એ જ રીતે આ ટૅન્ક પાણીમાં પણ ચાલતી હોવાથી એને પિપ્પા નામ આપવામાં આવ્યું હોય છે. આ ફિલ્મને લઈને એક સારી વાત એ છે કે એને ઑનલાઇન રિલીઝ કરવામાં આવી છે.

